” હે ભગવાન, હું શું કરુ કઈ સમજાતું નથી??” આ વાત ક્યારેક તો જીવનમાં તમારી અંતર આત્માએ તમારી હાજરી માં ભગવાનને પૂછી જ હશે. હું તો કહું છું રોજ આ વાત એકવાર તમારી આ competitive lifeમાં થતી જ હોય છે. તમે માનો કે ના માનો આનો જવાબ તમારી જ પાસે છે. બીજું આ સવાલ તમારા જીવનમાં આવ્યો એ પણ તમારા લીધે જ છે. અરે હું કોઈ motivational સ્પીકર નથી પણ મને પણ આ સવાલ રોજ થાય છે. હવે કાલ ની વાત જ લઇ લો બરાબર રાતના 12:30 વાગ્યા હશે. મારી સામે સ્ટ્રીટ લાઈટ ઝબુક-ઝબુક થયાં કરતી હતી. એ સ્ટ્રીટ લાઈટ ની નીચે અ. મ્યુ. કો. લખેલો કચરા નો ડબ્બો પડ્યો હતો. ત્યાં ગાય અને કુતરા ની મગજમારી ચાલી જ રહી હતી કે હમણાં જે રોટલી ભરેલી થેલી મૂકી ગયું. એ ફાડીને કોણ ખાશે? આ બંને પણ તમે જેમ સવારે કોમન ટાંકી આગળ પાણી ની ડોલ પેહલી મુકવા માટે ઝગડોને બસ બરાબર એ જ રીતે લડતા હતા !! એટલામાં તો 64 યોનિમાં સર્વશ્રેષ્ઠ ગણાતો જીવ આવ્યો. Vehicle ઉભું રાખ્યું ને ઉતાવળ માં પ્લાસ્ટિકના ડબ્બા કચરાના ડબ્બામાં નાખીને ભાગી ગયો. ગાય અને કૂતરો બંને પેલી રોટલીઓ ખાધા વગર જ એ ડબ્બા જોઈ જતા રહ્યા.મેં જોયું તો ડબ્બાની અંદર સહેજવાર ઝાકળ ની જેમ ધૂંધળું થઇ જાય અને પછી જેમ હતું એમનું એમ જાણે કે કોઈ શ્વાસ લઇ રહ્યું હોય !! મને તો માનવા માં જ ના આવે પણ આતો સવારમાં ત્યાં પોલીસ ને ન્યૂઝ રિપોર્ટરસ આવીને સવાલ-જવાબ કર્યા એમાં ખ્યાલ આયો. હજી કઈ વધારે ખબર પડે એ પહેલા તો ગાડીનો ડ્રાઈવર આવ્યો ને ઉપડ્યો મને લઇને.
આ જોઈ મને થાય કે તમને જીવ ની કિંમત ના હોય તો અમને પૂછો કે શ્વાસ લેવો એટલે શું? ભગવાન તમને રોજ દિવસ નામનું રબર આપે છે. તમારા ખોટા કર્મોની જોડણી સુધારવા. પણ ના તમે તો મહાન ને તમે ક્યાં સાંભળો નહિ??? હું તો ગાડી ના પાછળના કાચ પર “અહેમદાબાદ” લખાયેલી એક ખોટી જોડણી છું. કોઈ ને નહિ ગમે આ ખોટી જોડણી તો મને ફાડી પણ નાખશે. પણ એનું દુઃખ નથી. દુઃખ તો એનું છે કે જેને શ્વાસ લેવા આપ્યો છે. એ જ શ્વાસ રૂંધે છે!!!
લિ.
“અહેમદાબાદ” લખાયેલી ખોટી જોડણી
એ સમજાય એને જાય માતાજી !!!
કેકે (કુલદીપ )