By: Flashback Stories On: March 28, 2021 In: Blog Comments: 0

આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર થઈ ગયા. કેવી સચોટ વાત! સાચો સર્જક પોતાના સર્જનોમાં તેના સમયનું પ્રતિબિંબ ઝીલે છે, જે આવનારી અનેક પેઢીઓ માટે સંદર્ભની ગરજ સારે છે. પરાધીન ભારતમાં જન્મ લેનાર, સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનાર, સ્વતંત્ર ભારતમાં બનેલી કેટલીય મહત્વપૂર્ણ ઘટનાઓ અને જનસાધારણ ના પ્રશ્નો વિશે બિલકુલ નિર્ભીક, સ્પષ્ટ અને તીવ્ર કટાક્ષસભર રચનાઓ આપનાર બાબા નાગાર્જુન હિંદી સાહિત્યના આવા જ એક દિગ્ગજ સર્જક હતાં.

બાબા નાગાર્જુનનું મૂળ નામ વૈદ્યનાથ મિશ્ર હતું. તેમનો જન્મ 30 જૂન, 1911માં બિહારના દરભંગા નજીક તરૌની ગામમાં થયેલો. કારમી ગરીબીમાં તેમનો ઉછેર થયો. માતાની છત્રછાયા એમણે નાની ઉંમરે ગુમાવી. શરૂના થોડા શિક્ષણ બાદ બૌદ્ધ ધર્મ પ્રત્યે તેમને જાગેલી ગાઢ રુચિના ફળસ્વરૂપે તેમને શ્રીલંકા જઈને બૌદ્ધ ધર્મ વિશે ગહન અધ્યયન કરવાની તક મળી. આગળ જતાં ઔપચારિક રીતે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને જાણીતા બૌદ્ધ દાર્શનિકના નામ પરથી નાગાર્જુન નામ ધારણ કર્યું. શ્રીલંકામાં ધાર્મિક શિક્ષણની સાથે અન્ય વિષયોનું અધ્યયન પણ ચાલુ રહ્યું. લેનિન, કાર્લ માર્ક્સ વગેરેના પુસ્તકોના વાંચનથી સમાજવાદી વિચારધારા પ્રત્યનો તેમનો ઝુકાવ વધ્યો. હિંદી સાહિત્યમાં પ્રવાસવર્ણનોમાં ખૂબ આગળ પડતાં નામ એવા રાહુલ સંકૃત્યાયનની રાહબરી હેઠળ બાબા નાગાર્જુનનો વિદ્યાભ્યાસ સુપેરે આગળ વધી રહ્યો હતો. તેની સાથે સાથે ભારતમાં બદલાતા રાજકીય પ્રવાહો તરફ પણ તેમની નજર હતી.

1938માં નાગાર્જુન ભારત પરત આવ્યા. અને ત્યારથી જે દેશભરમાં ભ્રમણ, જનસંપર્ક અને જનસાધારણની પીડાને સમજીને તેમના વતી અવાજ ઉઠાવવાની શરૂઆત થઈ જે સિલસિલો તેમના જીવનપર્યંત ચાલુ રહ્યો. 1939માં બિહારના ખેડૂત આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ તેમણે કારાવાસ વેઠ્યો. વંચિતો અને પીડિતોના પ્રશ્નોને વાચા આપવા માટે નાગાર્જુન એક પત્રકાર, આંદોલનકારી, એક સાહિત્યકાર, એક કવિ તરીકે હંમેશા પ્રયત્નશીલ રહ્યા. આઝાદ ભારતની પ્રથમ સરકાર અને તેના વડાપ્રધાન નહેરુજી પાસેથી તેમને ગરીબોના કલ્યાણને લઈને અનેક આશાઓ હતી. ધીરે ધીરે સમય જતા જ્યારે બાબા નાગાર્જુનનો નહેરુજી પ્રત્યે મોહભંગ થયો ત્યારે તેમણે કઠોર આલોચના તરીકે સર્જેલી કવિતાઓએ ઘણાનું ધ્યાન ખેંચ્યું. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદવા જેવી ઐતિહાસિક ભૂલ કરી ત્યારે તેનો પ્રચંડ વિરોધ કરવા બદલ બાબાને 11 મહિનાનો જેલવાસ ભોગવવો પડ્યો. ભારતીય રાજકારણના બદલાતા સમીકરણો, દરેક નવા ઉભરતા નેતાઓ પાસેથી બાબા નાગાર્જુનની એ અપેક્ષા કે આ પક્ષ અને આ નેતા તો જરૂર શોષિતો માટે કાર્ય કરશે જ, અને ધીરે ધીરે એ ભ્રમનું નિરસન થવું આ બાબતોએ બાબા નાગાર્જુન ની કવિતાઓમાં પ્રમુખ સ્થાન પામ્યું. વારંવાર બદલાતા તેમના રાજકીય ઝોક વિશે ઘણાં લોકોએ જ્યારે આંગળી ઉઠાવી ત્યારે જવાબમાં બાબાએ હંમેશા કીધું કે હું જન કવિ છું. જનતા જનાર્દન અને છેવાડાના માણસનાં વિકાસ માટે કામ કરનાર કોઈપણ રાજકીય પક્ષને મારું પીઠબળ મળશે જ. સત્તા પર આવ્યા બાદ જે તે પક્ષ જ્યારે ગરીબ કલ્યાણના કરેલા વાયદા પાળવામાં કરવામાં નિષ્ફળ રહ્યો ત્યારે ત્યારે એ શાસકોને બાબાએ પોતાના સર્જનો વડે બરાબર આડે હાથ લીધા.

અવિરત પ્રવાસી એવા બાબા નાગાર્જુનનો લોકસંપર્ક, સાહિત્યસર્જન અને આંદોલનોમાં હિસ્સેદારી એમ વિવિધ ભૂમિકાઓ લગભગ એકસાથે આજીવન ચાલી. હિંદી સાહિત્યના લગભગ તમામ સમીક્ષકોએ તેમને તુલસીદાસજી પછીના સૌથી સફળ અને સક્ષમ જનવાદી કવિ તરીકે પોંખ્યા. સરળ ભાષા, વિષયોનું ગજબનાક વૈવિધ્ય, તીખો કટાક્ષ, સામાન્યમાં સામાન્ય માણસ પણ એકાત્મતા અનુભવી શકે તેવી રજૂઆત, પ્રયોગશીલતા, સ્પષ્ટવક્તાપણું અને ખુમારી – આ બાબા નાગાર્જુનની કવિતાઓની ખાસિયત કહી શકાય. બાબાના વિરાટ સાહિત્યમાં યુગધારા, સતરંગે પંખોવાલી, પ્યાસી પથરાઈ આંખે, તાલાબ કી મછલિયાં, ચંદના, ખિચડી વિપ્લવ દેખા હમને, તુમને કહા થા, મૈં મીલીટરી કા બુઢ્ઢા ઘોડા, અપને ખેત મેં, હજાર હજાર બાંહોવાલી વગેરે કાવ્યસંગ્રહો, રતીનાથ કી ચાચી, દુઃખમોચન, વરુણ કે બેટે, નઈ પૌધ જેવી નવલકથાઓ મુખ્ય છે. આ સિવાય ટુંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, બાળ સાહિત્ય વગેરે પ્રકારોમાં પણ બાબા નાગાર્જુને વિપુલ સર્જન કર્યું. હિંદી, મૈથિલી ,સંસ્કૃત અને બંગાળીમાં તેમના પ્રદાનની નોંધ બધા સમીક્ષકોએ લીધી છે.

આશ્ચર્યની વાત એ કે આવા સમર્થ સાહિત્યકાર કવિને યોગ્ય રીતે મળવાપાત્ર માન સન્માન, એવોર્ડ વગેરે બાબાને મળ્યા નથી. કદાચ સત્તાઓ સામે અડીખમ ઊભા રહીને હાડોહાડ લાગી આવે એવું અપ્રિય કડવું સત્ય બોલવાનો તેમનો ‘ અવગુણ ‘ નડ્યો હોય તેમ બને. જો કે તેમના આ અવગુણના લીધે જ તેઓ જનમાનસમાં અમર કવિ બન્યા. આમ તો બાબા નાગાર્જુનના સર્જન વિશે ખૂબ વિગતે વાત થઈ જ શકે પણ આજના આર્ટિકલમાં તેમની રાજકીય સામાજીક પ્રવાહો અને પ્રસંગો વિશેની થોડી કવિતાઓ માણીએ. આમ તો અહીં કઈ કવિતા ટાંકવી અને કઈ નહીં એ મૂંઝવણ થાય જ પણ મારી મર્યાદિત સમજણ મુજબ અને મારી ગમતી અમુક કવિતાઓની વાત કરું છું. આપ પણ આપના પ્રતિભાવોમાં નાગાર્જુનની તમારી ગમતી રચનાઓ વિશે વાત કરી શકો તો ગમશે.

વર્ષ 1961. જ્યારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ ભારતની યાત્રાએ આવ્યા અને ભારત સરકાર અને તત્કાલીન પ્રધામંત્રીશ્રી નહેરૂજી દ્વારા મહારાણીની આગતા સ્વાગતા કરવામાં જે અતિરેક થયો તેની પર વ્યાંગબાણ ચલાવતા બાબાએ આ કવિતા લખી.

आओ रानी, हम ढोयेंगे पालकी,
यही हुई है राय जवाहरलाल की
रफ़ू करेंगे फटे-पुराने जाल की
यही हुई है राय जवाहरलाल की
आओ रानी, हम ढोयेंगे पालकी!

आओ शाही बैण्ड बजायें,
आओ बन्दनवार सजायें,
खुशियों में डूबे उतरायें,
आओ तुमको सैर करायें
उटकमंड की, शिमला-नैनीताल की
आओ रानी, हम ढोयेंगे पालकी!

तुम मुस्कान लुटाती आओ,
तुम वरदान लुटाती जाओ,
आओ जी चाँदी के पथ पर,
आओ जी कंचन के रथ पर,
नज़र बिछी है, एक-एक दिक्पाल की
छ्टा दिखाओ गति की लय की ताल की
आओ रानी, हम ढोयेंगे पालकी !

सैनिक तुम्हें सलामी देंगे
लोग-बाग बलि-बलि जायेंगे
दॄग-दॄग में खुशियां छ्लकेंगी
ओसों में दूबें झलकेंगी
प्रणति मिलेगी नये राष्ट्र के भाल की
आओ रानी, हम ढोयेंगे पालकी!

बेबस-बेसुध, सूखे-रुखडे़,
हम ठहरे तिनकों के टुकडे़,
टहनी हो तुम भारी-भरकम डाल की
खोज खबर तो लो अपने भक्तों के खास महाल की!
लो कपूर की लपट
आरती लो सोने की थाल की
आओ रानी, हम ढोयेंगे पालकी!

भूखी भारत-माता के सूखे हाथों को चूम लो
प्रेसिडेन्ट की लंच-डिनर में स्वाद बदल लो, झूम लो
पद्म-भूषणों, भारत-रत्नों से उनके उद्गार लो
पार्लमेण्ट के प्रतिनिधियों से आदर लो, सत्कार लो
मिनिस्टरों से शेकहैण्ड लो, जनता से जयकार लो
दायें-बायें खडे हज़ारी आफ़िसरों से प्यार लो
धनकुबेर उत्सुक दिखेंगे, उनको ज़रा दुलार लो
होंठों को कम्पित कर लो, रह-रह के कनखी मार लो
बिजली की यह दीपमालिका फिर-फिर इसे निहार लो

यह तो नयी-नयी दिल्ली है, दिल में इसे उतार लो
एक बात कह दूँ मलका, थोडी-सी लाज उधार लो
बापू को मत छेडो, अपने पुरखों से उपहार लो
जय ब्रिटेन की जय हो इस कलिकाल की!

आओ रानी, हम ढोयेंगे पालकी!
रफ़ू करेंगे फटे-पुराने जाल की
यही हुई है राय जवाहरलाल की
आओ रानी, हम ढोयेंगे पालकी!

( નજીકના ભૂતકાળમાં ભારતની મુલાકાતે આવેલા દિગ્ગજ વિશ્વનેતાઓ અને તેમના આદર સત્કાર માં જે તે વખતની સરકારોએ ભાન ભૂલીને કરેલા અતિરેક અને બેવકૂફીઓ યાદ કરો અને ફરી એકવાર ઉપરની કવિતા વાંચી જાઓ. છે ને આજના સમયમાં જ લખાઈ હોય એવી લાગતી કવિતા? )

વર્ષ 1969. ગાંધી જન્મશતાબ્દી નિમિત્તે આટલા વર્ષોમાં નેતાઓ અને જાહેર જીવનના અગ્રણીઓ દ્વારા ગાંધીજીના આદર્શો અને ગાંધી મુલ્યોનું જે બેશરમ ઉલ્લંઘન થયું એને વિષય બનાવી નાગાર્જુને આ કવિતા રચી. આજે પણ જ્યારે વોટ ઉઘરાવવા નીકળેલા નેતાજી ગાંધીજીના નામનું શરણું લઈને સત્તાપ્રાપ્તિની વૈતરણી પાર કરવા નીકળે ત્યારે આ કવિતા અચૂક યાદ આવે.

बापू के भी ताऊ निकले तीनों बन्दर बापू के!
सरल सूत्र उलझाऊ निकले तीनों बन्दर बापू के!
सचमुच जीवनदानी निकले तीनों बन्दर बापू के!
ग्यानी निकले, ध्यानी निकले तीनों बन्दर बापू के!
जल-थल-गगन-बिहारी निकले तीनों बन्दर बापू के!
लीला के गिरधारी निकले तीनों बन्दर बापू के!

सर्वोदय के नटवरलाल
फैला दुनिया भर में जाल
अभी जियेंगे ये सौ साल
ढाई घर घोड़े की चाल
मत पूछो तुम इनका हाल
सर्वोदय के नटवरलाल

लम्बी उमर मिली है, ख़ुश हैं तीनों बन्दर बापू के!
दिल की कली खिली है, ख़ुश हैं तीनों बन्दर बापू के!
बूढ़े हैं फिर भी जवान हैं ख़ुश हैं तीनों बन्दर बापू के!
परम चतुर हैं, अति सुजान हैं ख़ुश हैं तीनों बन्दर बापू के!
सौवीं बरसी मना रहे हैं ख़ुश हैं तीनों बन्दर बापू के!
बापू को ही बना रहे हैं ख़ुश हैं तीनों बन्दर बापू के!

बच्चे होंगे मालामाल
ख़ूब गलेगी उनकी दाल
औरों की टपकेगी राल
इनकी मगर तनेगी पाल
मत पूछो तुम इनका हाल
सर्वोदय के नटवरलाल

सेठों का हित साध रहे हैं तीनों बन्दर बापू के!
युग पर प्रवचन लाद रहे हैं तीनों बन्दर बापू के!
सत्य अहिंसा फाँक रहे हैं तीनों बन्दर बापू के!
पूँछों से छबि आँक रहे हैं तीनों बन्दर बापू के!
दल से ऊपर, दल के नीचे तीनों बन्दर बापू के!
मुस्काते हैं आँखें मीचे तीनों बन्दर बापू के!

छील रहे गीता की खाल
उपनिषदें हैं इनकी ढाल
उधर सजे मोती के थाल
इधर जमे सतजुगी दलाल
मत पूछो तुम इनका हाल
सर्वोदय के नटवरलाल

मूंड रहे दुनिया-जहान को तीनों बन्दर बापू के!
चिढ़ा रहे हैं आसमान को तीनों बन्दर बापू के!
करें रात-दिन टूर हवाई तीनों बन्दर बापू के!
बदल-बदल कर चखें मलाई तीनों बन्दर बापू के!
गाँधी-छाप झूल डाले हैं तीनों बन्दर बापू के!
असली हैं, सर्कस वाले हैं तीनों बन्दर बापू के!

दिल चटकीला, उजले बाल
नाप चुके हैं गगन विशाल
फूल गए हैं कैसे गाल
मत पूछो तुम इनका हाल
सर्वोदय के नटवरलाल

हमें अँगूठा दिखा रहे हैं तीनों बन्दर बापू के!
कैसी हिकमत सिखा रहे हैं तीनों बन्दर बापू के!
प्रेम-पगे हैं, शहद-सने हैं तीनों बन्दर बापू के!
गुरुओं के भी गुरु बने हैं तीनों बन्दर बापू के!
सौवीं बरसी मना रहे हैं तीनों बन्दर बापू के!
बापू को ही बना रहे हैं तीनों बन्दर बापू के!

( બાપુના જન્મને આજે ૧૫૦ વર્ષ ઉપર થયાં પણ આજે પણ સ્થિતિ કંઈ ખાસ બદલાઈ નથી. આજે પણ બાપુનું નામ લીધા વગર એમના કટ્ટર ટીકાકારોને પણ ચાલતું નથી. આ બાબત બાપુના વ્યક્તિત્વની વિશાળતા અને આજના રાજનેતાઓની વાતો અને વર્તન વચ્ચેનો દંભ છતો કરે છે. )

બાબા નાગાર્જુનની કવિતાઓની એક ખૂબ ગમતી બાબત એ છે કે તેઓ ગમે તેટલા શક્તિશાળી કે પ્રભાવશાળી વ્યક્તિ કે સંસ્થા વિશે પોતાનો મત રજૂ કરતી વખતે ક્યારેય ખચકાયા નથી. એ નીડરતા એમના લખાણો અને કવિતાઓને નવી ઉંચાઈ બક્ષે છે. આવતા રવિવારે આ બ્લોગના બીજા અને અંતિમ ભાગમાં વાંચો, એ કઈ કવિતા હતી જેમાં નાગાર્જુને તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી પર સીધેસીધા પ્રહાર કર્યા. આ અને આ સિવાય અમુક ચૂંટેલી કવિતાઓ વિશે વાંચો આવતા રવિવારે.

(ક્રમશ:)

Blog By:- Keyur Trivedi
( Team Flashback Stories )

Trackback URL: http://www.flashbackstories.com/%e0%aa%ac%e0%aa%be%e0%aa%ac%e0%aa%be-%e0%aa%a8%e0%aa%be%e0%aa%97%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%ab%81%e0%aa%a8-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%95%e0%aa%b5%e0%aa%bf-%e0%aa%9c%e0%ab%87%e0%aa%a8/trackback/