By: Flashback Stories On: November 01, 2020 In: Blog Comments: 6

આજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં જરૂરી ચોખવટ.

મારા બધાં જ બ્લોગમાં આવતા રાજકીય સંદર્ભોમાં પ્રગટ થતાં વિચારો એ મારા અંગત છે.

બ્લોગના વિષય પર મારી રાજકીય માન્યતાઓ હાવી ના થાય એ માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન દર વખતે હોય જ છે,મારી રાજકીય માન્યતાનો પડઘો પેલા બહુ ફેમસ કવોટમાં પડે છે,
” A patriot must always be ready to defend his country aginst his government ” – Adward Abbey

સ્થળ: ખાલસા કોલેજ કેમ્પસ, દિલ્હી

સમય: નવેમ્બર 1984, શ્રીમતિ ઇન્દિરા ગાંધીની તેમના શીખ બોડીગાર્ડસ દ્વારા કરાયેલ હત્યા પછી થયેલ શીખવિરોધી રમખાણોના વખતની એક સાંજ.

પ્રસંગ: રમખાણો પછીની પ્રથમ શાંતિ યાત્રા.

જન નાટ્ય મંચ અને પરચમ એમ શહેરના બે જાણીતા ગ્રૂપ ભેગા થઈ શહેરમાં શાંતિ સ્થપાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે એક સ્ટ્રીટ પ્લે (શેરી નાટક) કરવાનાં હતાં. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ટોળાં ભેગાં થયાં હતાં જેમાના મોટાભાગના શીખ હતા, તેઓ અને તેમના પરિવારોએ રમખાણોમાં ખૂબ વેઠયું હતું. વિદ્યાર્થીઓના મનની વેદના આક્રોશમાં પલટાઈને ગમે ત્યારે વિકરાળ સ્વરૂપ લે તેવી સ્થિતિ સર્જાઈ. જ.ના.મ.ના સફદર હાશ્મી ત્યાં હાજર હતા. તેમણે તરત જ ‘પરચમ’ ગ્રૂપની યુવાન ગાયિકાને એક ગીત છેડવાનું કહ્યું. ખૂબ જ તંગ પરિસ્થિતિમાં એ યુવતીએ ગીત છેડ્યું:- “જાનેવાલે સિપાહી સે પુછો , કહાં જા રહા હૈ?” એક એવું ગીત કે જે યુદ્ધની નિરર્થકતા અને યુદ્ધમોરચે ગયેલા સૈનિકના પરિવારની દુર્દશા વિશે વાત કરતું હતું. થોડા સમય પહેલા હિંસક બનવા તરફ અગ્રેસર થયેલું વિદ્યાર્થીઓનું ટોળું ધીમેધીમે ગીતના સંવેદનોમાં વહેવા લાગ્યું. થોડી જ વારમાં ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીંજાઇ ગઈ અને ગુસ્સાનું સ્થાન કરુણાએ લઈ લીધું. જેમની સમયસૂચકતાએ તે દિવસે ભીષણ અથડામણ ટાળી એવા નાટ્યકાર, લેખક, ગીતકાર, સામાજીક કાર્યકર અને સામ્યવાદના પ્રખર સમર્થક સફદર હાશ્મી વિશે આજે થોડી વાત કરવી છે.

1954માં દિલ્હીમાં જન્મેલ સફદરને તેમનાં માતા-પિતા બાળપણમાં ભલે બધી સગવડો ન આપી શક્યાં પણ તેમણે સફદરને અઢળક પુસ્તકો આપ્યા. વિદ્યાર્થીકાળથી જ સફદરનો ઝુકાવ સામ્યવાદ તરફ હતો. કોલેજ દરમ્યાન જ તેઓ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા, (CPI-M ની વિદ્યાર્થી પાંખ) અને ઇંડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન સાથે જોડાયા. 1973માં જન નાટ્ય મંચ (જનમ) ની સ્થાપના કરી. જે તે સમયની સરકાર અને પ્રશાસનની ખોટી નીતિઓના વિરોધમાં ભજવાયેલા નાટકોએ ‘જનમ’ ને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. ઉદાહરણ તરીકે, તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના અસંવૈધાનિક પગલાઓના વિરોધમાં ઊભું થયેલ નાટક ‘કુર્સી, કુર્સી, કુર્સી’. ત્યારબાદ કટોકટી સમયે જ્યારે આ પ્રકારના નાટકોની પ્રવૃત્તિ લગભગ અશક્ય બની ગઈ ત્યારે સફદરે વિવિધ યુનિવર્સિટીઓમાં લેક્ચરર તરીકે સેવાઓ આપી.


કટોકટી પછી જ્યારે ફરી નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરવામાં અઢળક અડચણો આવી તો સફદર અને ‘જનમ’ ગ્રુપ વધુ ખર્ચમાં થતાં ભવ્ય પ્રોસેનિયમ થિયેટરને બદલે ઓછા ખર્ચે થઈ શકે તેવા શેરી નાટકો તરફ વળ્યાં. ગરીબો, મિલ મજૂરો, ખેડૂતો, સ્ત્રીઓ… ટૂંકમાં, સમાજના તમામ શોષિત વર્ગના પ્રશ્નોને વાચા આપવી એ આ શેરી નાટકોનો મુખ્ય સૂર હતો. સફદરના શેરી નાટકોએ અભૂતપૂર્વ સફળતા મેળવી. મૂડીવાદ અને યાંત્રિકીકરણનો જોરદાર વિરોધ કરતું નાટક ‘મશીન’ કે જે સત્યઘટના પર આધારિત હતું, એ તો એટલું લોકપ્રિય થઈ પડ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં અનેક શોઝ થયા.એક ટ્રેડ યુનિયનની વાર્ષિક સભામાં જ્યારે એ ભજવાયું ત્યારે ત્યાં 2 લાખ મજૂરો એ નાટક જોવા હજાર હતા. આ સિવાય સફદરે ‘ગાંવ સે શહેર તક’ (ખેત મજૂરોની તકલીફો), ‘હત્યારે’, ‘અપહરણ ભાઈચારે કા’ (ફાસીવાદ અને ધાર્મિક વેરઝેરના વિરોધમાં), ‘તીન કરોડ’ (બેરોજગારી), ‘ઔરત’ (મહિલાઓ પરના અત્યાચાર), ‘સમરથ કો નહીં દોષ ગોસાંઇ’ (ભ્રષ્ટાચાર), ‘હલ્લા બોલ’, ‘ગિરગિટ’ એમ લગભગ 24 જેટલા નાટકો આપ્યા જેના 4000 થી વધુ શોઝ થયાં. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પ. ના ભ્રષ્ટાચાર અને પ્રજા પર ઝીંકાયેલ બસભાડાના વિરોધમાં ભજવાયેલું ‘DTC કી ધાંધલી’ તો ભાવવધારાની જાહેરાતના માત્ર 5 જ કલાકમાં લખાઈને ભજવાયું.

આ ઉપરાંત, આ સર્જકે બાળનાટકો અને કવિતાઓને પણ રળિયાત કર્યાં. “પઢના લીખના સીખો, ઓ મહેનત કરનેવાલોં” ગીત તો સાક્ષરતા અને પ્રૌઢ શિક્ષણના ઘણાં કેમ્પેન્સ આજે પણ ઉપયોગમાં લેવાય છે. ‘કિતાબેં કુછ કહેના ચાહતી હૈ’ ગીત ભાગ્યે જ કોઇથી અજાણ્યું હશે. ‘દેવરાલા કી છાતી’ ગીત દ્વારા તેમણે રૂપકંવર સતીકાંડ જેવી કુખ્યાત ઘટનાનો વિરોધ કર્યો. મુસ્લિમ મહિલા વિધેયકની વાત કરતું ‘આઓ એય પર્દાનશીં’ પણ ખાસ્સું પ્રચલિત થયું. દેશ અને દેશવાસીઓના જીવનને સ્પર્શતા લગભગ બધા જ મુદ્દાઓ પર સફદરની કલામ બેબાક બનીને ચાલી રહી હતી, તેમના નાટકો સત્તાના સિંહાસન પર આરુઢ થયેલાઓને અને મિલમાલિકોને સ્વાભાવિક રીતે જ આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. અને પછી એક ખુબ જ ગોઝારી ઘટના બની.

1989ની પહેલી જાન્યુયારીએ જનમ ગ્રૂપ ગાઝિયાબાદ નજીક ઝંડાપુર નામના ઔદ્યોગિક વિસ્તારમાં ‘હલ્લા બોલ’ ભજવવાના હતા, જેનો હેતુ સ્થાનિક ચૂંટણીમાં ઉભેલ CPI–M ના ઉમેદવારને ટેકો આપવાનો હતો. તે વખતના કોંગ્રેસ સાથે સંકળાયેલ મુકેશ શર્મા નામના કહેવાતા નેતા તેના ગુંડાઓ સાથે ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંથી પસાર થવા માટે રસ્તો માંગવા લાગ્યાં. સફદર અને તેના સાથીઓએ નાટક પતવા સુધી રાહ જોવા અથવા બીજા વૈકલ્પિક રસ્તેથી જતા રહેવા વિનંતી કરી. બસ, આટલી જ વાતમાં ગુંડાઓ સફદર અને અન્ય સાથીઓ પર તૂટી જ પડ્યાં. ગંભીર રીતે ઘાયલ સફદરને મહામુસીબતે હોસ્પિટલભેગા કરી શકાયા. પોલીસની સદંતર ગેરહાજરી, નિષ્ક્રિયતા, સમયસર તબીબી સહાયનો અભાવ, મોડી આવેલ એમ્બ્યુલન્સ વગેરે અનેક પરિબળોએ સ્થાનિક પ્રશાસનના વલણ પ્રત્યે અણિયાળા સવાલો ઊભા કર્યા. 2 જાન્યુઆરીના એ કાળમુખા દિવસે ગરીબો, વંચિતો અને શોષિતો માટે હરહંમેશ ઉઠતો લાગણીસભર અવાજ સદાને માટે ખામોશ થઈ ગયો. આ કલમવીરની સ્મશાનયાત્રામાં સ્વયંભૂ 15,000 થી વધારે લોકો જોડાયા હતા એ પણ નોંધનીય બાબત છે.

જો કે, કહેવાય છે ને કે તમે વ્યક્તિને મારી શકો, વિચારને નહીં. સફદર હાશ્મીના મૃત્યુના ત્રીજા જ દિવસે તેમના પત્ની મલયશ્રી હાશમી અને જનમના સભ્યોએ ઘટનાસ્થળ પર જઈને વટભેર નાટક ભજવ્યું. સામાજીક નિસ્બત ધરાવતા સાચા કળાકારને મેન, મની અને મસલ પાવરના જોરે દબાવવા મથતા લોકોના ચહેરા પર આ એક જોરદાર તમાચો હતો. સફદરના ખૂનની ઘટનાથી આખા દેશમાં પ્રચંડ વિરોધનાં સૂર ઉઠ્યા. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય વિષેની ચર્ચાએ જબરદસ્ત વેગ પકડ્યો. આ ઘટનાના ત્રણ જ મહિના પછી એપ્રિલમાં સફદરનો જન્મદિન ‘નેશનલ સ્ટ્રીટ થીયેટર ડે’ તરીકે ઉજવાયો. એક જ દિવસમાં લગભગ 30,000 થી વધુ શેરી નાટકો ભજવાયા, જે ચોક્કસ રીતે વિક્રમજનક હતું. જાણે મૃત્યુ પછી પણ વિરોધનાં સૂરને બુલંદ રાખવાની સફદરની મમતનો ભવ્ય વિજય થયો.

સફદરના સાથીઓ, મિત્રો અને ચાહકોએ મળીને દિલ્હીમાં ‘સ્ટુડિયો સફદર’ ની સ્થાપના કરી, જે પુસ્તકોના વાંચન, વેચાણકેન્દ્ર, પર્ફોર્મન્સ સ્પેસ અને ચર્ચા વિચારણાના કેન્દ્ર તરીકે આજે પણ કાર્યરત છે. સફદરની યાદમાં SAHMAT (Safdar Hashmi Memorial Trust) ની સ્થાપના થઈ જે આજે પણ 01 જાન્યુઆરીએ ઝંડાપુરમાં ground zero પર જઈને સફદરની યાદમાં નાટકો અને અન્ય કાર્યક્રમો યોજે છે. આ શબ્દશિલ્પીના ચિરકાલીન સાથી મલાવશ્રી, રથીન દાસ, સુધન્વા દેશપાંડે વગેરે એ તેની પ્રવૃત્તિઓને બમણા વેગથી આગળ વધારી. એ વાતમાં નવાઈ નથી કે સુધન્વા દેશપાંડેનું પુસ્તક ‘Hallla Bol: Death and Life of Safdar Hashmi’ સારી એવી લોકચાહના પામ્યું.

આવા પ્રભાવશાળી કળાકારના જીવન અને મૃત્યુએ લોકોને શીખવ્યું કે કળાકારની સામાજિક પ્રતિબદ્ધતા સર્વોપરી હોવી જોઈએ. ગમે તેટલું અપ્રિય સત્ય પણ સમાજ અને શાસન સમક્ષ પ્રચંડ અવાજે બોલાય ત્યારે તેમાં કલાકારનો અવાજ સૌથી સ્પષ્ટ અને બુલંદ હોવો જોઈએ. ‘If you are not with us, you are against us’ ની તાજેતરમાં પ્રચલિત થયેલી રાજકીય વિચારધારા અને લોકપ્રિય મતથી વિરુદ્ધ મતને સાંભળવા કે સાંખી શકવા અસમર્થ સમાજે તેના પરિણામો ભોગવવા પડે છે. સરકાર ગમે તે પક્ષની હોય, દરિદ્રનારાયણનું ભલું કરવું, છેવાડાના માનવીનો વિચાર કરવો એ તેની પ્રાથમિક ફરજ હતી, છે અને રહેશે. સફદર મરા નહીં, સફદર મરતે નહીં.

હલ્લા બોલ પુસ્તકના વિમોચન વખતે યોજાયેલ સંવાદની લિંક, જેમાં સુધન્વા દેશપાંડે, મલયશ્રી હાશમી, નંદિતા દાસ વગેરે એ ભાગ લીધો હતો. હલ્લા બોલ નાટકની શરૂઆતના અમુક સીનનું વચિકામ પણ આ જ વીડિયોમાં જોઇ શકશે
https://www.youtube.com/watch?v=M83e9qDKTs0

હસન નઇમના આ શબ્દોથી ચર્ચાને વિરામ આપીએ:-
“કુછ ઉસૂલોં કા નશા થા, કુછ મુકદ્દસ ખ્વાબ થે
હર ઝમાને મેં શહાદત કે યહી અસબાબ થે.”

(મુકદ્દસ – પવિત્ર. અસબાબ – હેતુ, સાધન.)

  • કેયુર ત્રિવેદી
    ( ટીમ ફ્લેશબેક સ્ટોરીઝ )

Trackback URL: http://www.flashbackstories.com/%e0%aa%b8%e0%aa%ab%e0%aa%a6%e0%aa%b0-%e0%aa%b9%e0%aa%be%e0%aa%b6%e0%ab%8d%e0%aa%ae%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a5%e0%aa%b0-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%a4%e0%aa%ac/trackback/

6 Comments:

  • Arpan
    November 01, 2020

    Very well researched and written. Bravo Keyur bro.

    Reply
    • Flashback Stories
      November 04, 2020

      Thank you so so much Arpan bhai
      bahot bahot mohabbat
      shukriya 🙂

      Keyur Trivedi
      Flashback Stories

      Reply
  • Janak
    November 01, 2020

    I have performed his play Rajaa Kaa Bajaa

    Reply
    • Flashback Stories
      November 04, 2020

      Wow sir that’s really great. someday we will sit and talk about this.
      Thank you so much:)

      – Keyur Trivedi
      Flashback Stories

      Reply
  • JAY MEHTA
    November 02, 2020

    Fabulous…!!!👌👌👌
    Thoroughly enjoyed reading this.💐
    As Shahabuddin sir often mentions, “The life of an artist is like a candle burning at both the ends. No one can stop it, one can only see how nicely does it burn.”
    Such artists need to be discussed more and more for the health of society.
    Keep writing…!!😊👍

    Reply
    • Flashback Stories
      November 04, 2020

      Thank you bro
      you know how much typical / formal it may sound.
      but it means alot to me . 🙂

      – Keyur Trivedi
      Flashback Stories

      Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *