By: Flashback Stories On: December 13, 2020 In: Blog, Uncategorised Comments: 2

અરેબિક સાહિત્યમાં પ્રેમની સાત અવસ્થાઓ વિશે વર્ણન મળે છે : આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ ( સમર્પણ ), દિવાનગી અને … મોત. ( અહીં મોત એ પ્રેમની અનંતતા અને શાશ્વતતાના સંદર્ભમાં પણ લઈ શકાય. ) ગુલઝાર સાહેબે ‘ દિલ સે ‘ ફિલ્મનું ‘ તુ હી તુ, સતરંગી રે ‘ ગીત આ થીમ પર જ લખેલું, પછીથી ‘ દેઢ ઈશ્કિયા ‘ ફિલ્મમાં વિશાલ ભારદ્વાજે નસીરુદ્દીન સરના મોઢે પેલો યાદગાર સંવાદ મૂક્યો ” સાત મકામ હોતે હૈ ઈશ્કમેં …” ( જાવેદ અખ્તર સાહેબે પણ સલમાનની એક સાવ ભૂલી જવા લાયક ફિલ્મ ‘ મેરીગોલ્ડ ‘ માં આ જ વિષય પર એક ગીત લખેલું. ) આજે આપણે જે કૃતિ વિશે વાત કરવી છે તેના સર્જક આ અરેબિક સાહિત્યમાં પ્રેમની જે વાત છે એના વિશે જાણતા હશે કે કેમ એ તો નથી ખબર, પણ એમની એક મહાન પ્રણયકથા પ્રેમની આ બધી અવસ્થાઓ અદભુત રીતે વર્ણવે છે એ ચોક્કસ વાત છે. હું વાત કરી રહ્યો છું ગુજરાતી સાહિત્યની ટોચની હરોળમાં બિરાજમાન લેખક શ્રી પન્નાલાલ પટેલ અને એમની એ અમર કૃતિ એટલે ‘ મળેલા જીવ ‘.

જીદંગીની પાઠશાળાના અદભુત વિદ્યાર્થી પન્નાલાલ :-

ડુંગરપુર જિલ્લાના ગામ માંડલીમાં જન્મેલા અને માંડ છ કે સાત ધોરણ સુધીનું જ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરનાર પન્નાલાલ, કુટુંબના નિર્વાહ માટે ભયંકર શારીરિક શ્રમથી ભરેલી અને થકવી નાખતી નોકરી વર્ષો સુધી કરનાર પન્નાલાલ, જ્યારે ઊંચા ગજાના સર્જક ઉમાશંકર જોશી જેવા સહાધ્યાયી મિત્રના પ્રોત્સાહન પછી કલમ ઉપાડે અને કાળક્રમે 60 જેટલી નવલકથાઓ ( ગ્રામ્ય પરિવેશની, નગરજીવન અને આધુનિક વાતાવરણવાળી તેમજ પૌરાણિક વિષયો હોય તેવી પણ ), 26 જેટલા વાર્તા સંગ્રહો અને 450 જેટલી ટુંકી વાર્તાઓ, થોડા એકાંકી, બાળ સાહિત્યની કૃતિઓ, 7 ભાગમાં ફેલાયેલ આત્મકથા – આટલું બહોળું અને સમર્થ સાહિત્યસર્જન કરે તો એને મોટાભાગના ભાવકો અભિભૂત થઈને ચમત્કાર જ ગણાવે. જો કે ખરું જોતા આનો શ્રેય પન્નાલાલ સાહેબના અનુભવસિદ્ધ જ્ઞાન, તીવ્ર નિરીક્ષણ શક્તિ, કોઠાસૂઝ અને ધગશને જાય. મારા અંગત મતે પન્નાલાલ સાહેબે જો માત્ર ‘ માનવીની ભવાઈ ‘ અને ‘ મળેલા જીવ ‘ એમ બે જ કૃતિ આપી હોત તો પણ તેમનું નામ ગુજરાતી સાહિત્યમાં વટભેર મૂકવું જ પડત.

મળેલા જીવ – પાત્ર પરિચય :-

કાનજી – ઉધેડિયા ગામમાં મોટાભાઈના પરિવાર સાથે રહેતો પટેલ ખેડૂત યુવાન.

જીવી – બાજુના જોગીપરા ગામમાં રહેતી વાળંદ પરિવારની યુવતી

હીરો – કાનજી નો મિત્ર અને સુખ-દુઃખનો સાથી

ભગત – ગામના સૌથી શાણા અને અનુભવસમૃદ્ધ વ્યક્તિ

ધૂળો – કાનજીના ગામનો પગે જરાક ખોડ વાળો વાળંદ યુવાન

જીવી ડોશી : ધૂળાની મા

કથાસાર

જન્માષ્ટમીના મેળામાં મહાલતા યુવાન કાનજીની આંખ ચકડોળમાં સાવ અનાયાસે જોડે આવી બેસેલ જીવી નામની વાળંદ યુવતી સાથે લડી જાય છે. ( આકર્ષણ ) મેળામાંથી પોતપોતાના ગામ તરફ પાછા આવતા રસ્તામાં યુવાનો – યુવતીઓની ટોળી વચ્ચે થતી મીઠી નોકઝોંકમાં કાનજી અને જીવી બેયના મનમાં એકબીજા માટે કૂણી લાગણી જન્મે છે ( મોહ ) . ઉંમર ભેદ, જ્ઞાતિભેદ વગેરેને અવગણીને બેય પ્રેમમાં પડે છે ( પ્રેમ ). બંને પ્રેમીઓના મિલનના માર્ગમાં રહેલા વિઘ્નો વિશે ચર્ચા કરતા કાનજીને તેનો મિત્ર હીરો એક સૂચન આપતા કહે છે કે જીવીને આપણા ગામના ધૂળા વાળંદ સાથે પરણાવી આપ. પગે ખોડવાળા ધૂળાનું ઘર બંધાય અને જીવી પોતાની નજર સામે તો રહે એમ માનીને કાનજી કોક નબળી પળે આ યોજના અમલમાં મૂકવાનું નક્કી કરે છે. જીવી એક અંધારી રાતે કોઈ જાતનાં લાંબા પ્રશ્ન કર્યા વગર તેને લેવા આવેલા કાનજી સાથે ચાલી નીકળે છે ( વિશ્વાસ ). હવે એક જ ગામમાં રહીને પણ જુદા રહેવા મજબૂર કાનજી અને જીવી એ બંને પ્રેમીઓ વારંવાર કોક ને કોક કારણસર એકબીજા સામે આવી જ જાય છે. બંને વિશે ગામમાં વાતો થવા લાગે છે. જીવી તેની ઝઘડાળુ સાસુનો ત્રાસ અને વહેમીલા સ્વભાવવાળા પતિ ધૂળા દ્વારા થતી મારઝૂડ એ બધું જ મૂંગા મોઢે સહન કરે છે કારણ તેને એક જ આશ્વાસન છે કે મનનો માણિગર કાનજી આસપાસ તો છે ( સમર્પણ ) . જીવીની આવી અવદશા માટે પોતાને જવાબદાર માનતો કાનજી આ જોઈ શકતો નથી અને નોકરીના બહાને શહેરમાં જતો રહે છે. પતિ અને સાસુનો વધતો જતો ત્રાસ અને કાનજીનો વિરહ બંને ન જીરવાતા જીવી આત્મહત્યા કરવાનું નક્કી કરે છે પણ એક અકસ્માતે જીવીને બદલે ધૂળાનું મૃત્યુ થાય છે. જીવી આઘાતના માર્યા માનસિક સંતુલન ગુમાવે છે ( દિવાનગી ) પ્રેમની છેલ્લી અવસ્થામાં આ કથામાં આગળ શું થાય છે એ કહીને જેમણે નવલકથા નથી વાંચી તેમનો રસભંગ નહીં કરું. હા, એટલું કહીશ કે જીવી અને કાનજીનો સામાજીક દૃષ્ટિએ અયોગ્ય લાગતો પ્રેમ પવિત્રતા અને સાત્વિકતા ની ચરમસીમાએ પહોંચે છે ! ઘણીવાર પ્રેમમાં જોડે મારવા કરતા જોડે જીવવું વધુ હિંમત માંગી લે છે !

પ્રતિભાવો :- આ નવલકથા તેમાં વર્ણવાયેલ ગ્રામ્ય પરિવેશ, પાત્રો, સંવાદો, ગીતો, દુહા વગેરેના લીધે ભાવક સમક્ષ લગભગ જીવંત થઈ ઊઠે છે. ઘટનાપ્રવાહ પણ એવો રસાળ છે કે તળપદી બોલીના શબ્દો કે ગ્રામ્યજીવનના આવતા સંદર્ભો પણ વાંચતી વખતે ક્યાંય નડતાં નથી. હળવેકથી પોતાના વિશ્વમાં ખેંચી લેતી આ નવલકથા અંત સુધીમાં વાચક માટે યાદગાર સંભારણું બની રહે છે. શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત પ્રસ્તાવના એ પુસ્તક વાંચવાના અનુભવને વધુ રળિયાત કરે છે. મેઘાણી દાદાએ પ્રસ્તાવનામાં સમાપનમાં જે વાક્ય લખ્યું છે એ ટાંકું છું, ‘ માનવીઓ ! આ ધરતીની સુવાસ તો માણો ! માનવીનું અહીં ઉઘાડું મુકાયેલું મન તો નિહાળો ! ‘ ગુજરાતી સાહિત્યમાં જ્યારે મોટાભાગે ભદ્રવર્ગના જીવનની આસપાસના પાત્રો, ઘટનાઓ અને વિષયો જ પ્રચલિત હતા તેવામાં ‘ મળેલા જીવ ‘ નું આગમન ઘણી રીતે નવતર પુરવાર થયેલું. શ્રી સુન્દરમ્ પોતાના પ્રતિભાવમાં યોગ્ય રીતે લખે છે કે , ‘ આ કૃતિ ભારતીય સાહિત્યમાં ગુજરાતી ભાષાના પ્રતિનિધિ તરીકે ઉભરી શકે તેમ છે અને જરાક સંકોચ સાથે કહું તો વિશ્વ સાહિત્યમાં પણ… ‘ જો કે સાક્ષરયુગના દિગ્ગજ સર્જક શ્રી નાન્હાલાલ આ કૃતિથી ઘણા ખફા થયેલા. આકરા શબ્દોમાં તેમણે લખેલું કે ‘ વાળંદ અને ખેડૂત પટેલ ક્યારથી નાયક નાયિકા થઈ ગયા? ચૂલામાં નાખો આ પુસ્તક. ‘ જો કે આપણા જાણીતા સર્જક વિચેચક શ્રી મણીલાલ હ. પટેલની આ નવલકથા વિશે એક વક્તવ્યમાં કહેલી વાત યાદ આવે છે , ‘ મળેલા જીવ વાંચવાનું તમે શરૂ કરો ત્યારે તમે જે હોવ, તે આ પુસ્તક પૂરું થતાં સુધીમાં તમે નથી રહેતા. તમારી અંદર હંમેશ માટે કંઇક બદલાઈ જાય છે ! ‘

અનુવાદો અને ફિલ્મ એડપ્ટેશન :- સૌરાષ્ટ્રના જાણીતા વર્તમાનપત્ર ‘ ફૂલછાબ ‘ ના વાચકો માટે ભેટ પુસ્તક તરીકે આપવા મેઘણીજીના આગ્રહથી પન્નાલાલ પટેલે માત્ર 24 જ દિવસમાં લખી આપેલ આ નવલકથાની આજે કંઈ કેટલીય આવૃત્તિ થઈ ચૂકી છે. હિંદી, પંજાબી, કન્નડ અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે. એટલું જ નહીં, ચાહકોને તો યાદ જ હશે કે આ નવલકથા પરથી હિંદીમાં ‘ ઉલ્ઝન ‘ , ગુજરાતીમાં ‘ મળેલા જીવ ‘ અને કન્નડ માં ‘ જન્મુદા જોડી ‘ નામે ફિલ્મો પણ બની છે. ગુજરાતી નાટયજગતના જાણીતા દિગ્દર્શક શ્રી નિમેષ દેસાઈ અને ટીમે આ નવલકથાનું નાટયરૂપંતર પણ કરેલું.

જતાં જતાં :- ‘ મળેલા જીવ ‘ નવલકથા ઉંમરના અલગ અલગ પડાવ પર જ્યારે પણ વાંચીએ, દર વખતે કૈંક નવું આપી જાય છે. આ પ્રણય નવલ વાંચતા કેટલાક શાશ્વત પ્રશ્નો મનમાં ઉદ્દભવે. જેમનું મિલન દોહ્યલું હોય એવા બે વ્યક્તિઓ જ કેમ પ્રેમમાં પડે છે? આ જગત અને ઇશ્વર ( જો હોય તો ) પણ પ્રેમીઓને આટલા કનડતા કેમ હશે? પ્રેમમાં એવું તો શું થઈ જાય છે કે સ્વાર્થ અને સ્વબચાવ જેવી મૂળભૂત લાગણીઓ ભૂલીને પ્રેમી પોતાના પ્રિયપાત્ર પાછળ ન્યોછાવર થઈ જાય છે? એ કયું તત્વ છે જે પ્રેમદશામાં માનવીની અંદરથી તેનું શ્રેષ્ઠ સ્વરૂપ બહાર લાવે છે? લૈલા મજનૂ, હીર રાંઝા, શિરી ફરહાદ, રોમિયો જુલિયેટની કથા સદીઓ વીતવા છતાં કેમ માત્ર સ્થળ, કાળ અને નામના ફેરફાર સાથે પુનરાવર્તન પામ્યા કરે છે?



તમે પણ વાંચો આ નવલકથા અને જુઓ તમને આ પ્રશ્નોના શું જવાબ મળે છે? નીચે ટાંકેલ અને કાનજીના મુખે લેખકે મૂકેલ દુહો અને ભગતના મુખે અંતમાં બોલતો એક સંવાદ કદાચ જવાબો તરફ કોઈક ઈશારો કરે અથવા કોઈ નવો પ્રશ્ન ઊભો કરે તેમ પણ બને.

” ભલા રચ્યાં રે ઊંડા આભલાં,
દન દન ના જુદાં ચાંદ,
ફરતો મેલ્યો રે ગગન દીવડો,
મારી ધરતીના લઉં રે ગુમાન…

સર્જ્યું એમાંય ભલું માનવી,
તારી કલાની કલગી સમાન,
શીદ મેલ્યું ‘ લ્યા ઝરમર કાળજું,
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન !

પેદા કર્યો તે ઈશ ભલે કર્યો,
ભલે રાખ્યાં ખાન ને પાન,
પણ શી રે જરૂર હતી પ્રીતની?
ભૂંડા! કાચા તાંતણે બાંધ્યા જાન ! “


-કાનજી

” વાહ રે માનવી, તારું હૈયું! એક પા લોહીના કોગળા, તો બીજી પા પ્રેમના ઘૂંટડા !

-ભગત

Trackback URL: http://www.flashbackstories.com/keyurontherocks8/trackback/

2 Comments:

  • Bakulesh Desai
    December 13, 2020

    ખૂબ જ સરસ અમર કૃતિ…એવો જ સરસ પરિચય

    એવી જ સરસ ફિલ્મોનો આસ્વાદ

    Reply
  • Arpan
    December 13, 2020

    Aayehaaye! Madelaa jeev!
    Ek alag j level. Gujarati sahitya ni amar kruti.

    Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *