એકવાર એક નગરમાં ભયંકર દુકાળ પડ્યો. લગલગાટ ત્રીજા વર્ષે પણ મેઘરાજાની મહેર ના થવાથી માનવીઓની સાથે સાથે પશુપંખીઓ, વનસ્પતિ વગેરે સૌનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. ભુખ-તરસ અને દુઃખથી ત્રસ્ત સૌ નગરજનોએ ભેગા થઈ વરસાદ ના આવે ત્યાં સુધી પરમેશ્વરને રીઝવવા પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે બધાં મંદિરે ભેગા થયા ત્યારે ત્યાં એક નાનો છોકરો હાથમાં છત્રી સાથે આવેલો. કારણ પૂછવામાં આવતા તે બોલ્યો, ‘ આપણે સૌ પ્રાર્થના કરીશું, તો ભગવાન વરસાદ તો વરસાવશે જ ને! ‘ આ બોધકથા ની જેમ પ્રાર્થના, વિશ્વાસ અને મનુષ્યના કર્મોના મહત્વને ઉજાગર કરતી એક ફિલ્મ વિશે આજે વાત કરવી છે.
ગાઈડ કી કહાની, દેવસાબ કી ઝુબાની
ફિલ્મો ત્રણ પ્રકારની હોય છે. એક, સારી ફિલ્મો, બીજી વાહિયાત ફિલ્મો, અને પછી આવે છે ત્રીજો પ્રકાર, ફિલ્મ સમીક્ષકો પાસે શબ્દો ઉધાર લઈને કહું તો ‘ ફિલ્મ્સ યુ મસ્ટ સી બિફોર યુ ડાય ‘ કેટેગરીમાં આવતી અદભુત અને અવિસ્મરણીય ફિલ્મો. આપણી આજની ફિલ્મ ‘ ગાઈડ ‘ આ ત્રીજી કેટેગરીમાં આવતી ફિલ્મોમાંની એક છે. આર. કે. નારાયણ લિખીત સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા નવલકથા ‘ ધ ગાઈડ ‘ પરથી વિજય આનંદ દિગ્દર્શિત દેવ આનંદ – વહીદા રહેમાન અભિનીત ‘ ગાઈડ ‘ હિંદી ફિલ્મ ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે.
દેવ આનંદ પોતાની આત્મકથા ‘ Romancing With Life – An Autobiography ‘ ( બધાં જ ફિલ્મ રસિયાઓ એ વાંચવા જેવી, અને દેવસાબના ચાહકોએ તો ખાસ ) માં ‘ ગાઈડ ‘ ના મેકિંગ વિશે માંડીને વાત કરે છે. બકૌલ દેવસાબ , ” 1962માં અમે અમારી ફિલ્મ ‘ હમ દોનો ‘ ને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવા ગયેલા. ત્યાં પાર્ટીમાં મારી મુલાકાત હોલીવુડની ઘણી હસ્તીઓ સાથે થઈ. જેમાં દિગ્દર્શક ટેડ ડેનીયલવસ્કી પણ હતા જેઓ વિખ્યાત લેખિકા અને નોબેલ પ્રાઈઝ વિજેતા પર્લ. એસ. બક સાથે એક ફિલ્મ કંપની ચલાવતા. મારે અને ટેડ બંનેને એક સરસ પ્રોજેક્ટ સાથે કરવો હતો પણ કંઈ ખાસ વાત જામતી નહોતી. એવામાં મને કોઈએ આર.કે. નારાયણ લિખીત નવલકથા ‘ ધ ગાઈડ ‘ વાંચવા સૂચવ્યું. હું લગભગ એક જ બેઠકે એ નવલકથા વાંચી ગયો અને મને થયું કે મારે અને મારા હોલીવુડના મિત્રને જે પ્રોજેક્ટની તલાશ હતી તે આ જ છે. ટેડ અને પર્લ સાથે વાત થયા બાદ ભારત આવી નારાયણ પાસેથી તેમની નવલકથા પરથી ફિલ્મ બનાવવાની મંજૂરી લેવાનું મેં મારા માથે લીધું. નારાયણને સહર્ષ મંજૂરી આપી. અમે અંગ્રેજી અને હિંદી એમ બંને ભાષામાં એકસાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અંગ્રેજી વર્ઝન ટેડ અને હિંદી વર્ઝન મારા મોટાભાઈ ચેતન આનંદ દિગ્દર્શિત કરશે તેમ નક્કી થયું, પણ બધું એટલું સહેલું નહોતું જેટલું અમે ધાર્યું હતું. શૂટિંગ શરૂ થયા પછી બંને દિગ્દર્શકો વચ્ચે કેમેરા પ્લેસિંગ, લાઈટિંગ, સ્ટોરી પ્રત્યેના અપ્રોચ વગેરે બાબતોમાં ગંભીર રચનાત્મક મતભેદો સપાટી પર આવવા લાગ્યા. અધૂરામાં પૂરું, ચેતનને તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમી ઇંડો ચાઇના વોર પર આધારિત ફિલ્મ ‘ હકીકત ‘ પર ધ્યાન આપવું હોવાથી તેમણે ‘ ગાઈડ ‘ નું દિગ્દર્શન છોડવાનો નિર્ણય લીધો. થોડીક સમજાવટ અને વિચારવાનો સમય લીધા પછી મારો નાનો ભાઈ વિજય આનંદ આ ફિલ્મ કરવા રાજી થયો. જો કે ભારતીય દર્શકોના રસરુચિ મુજબના અમુક ફેરફારો સ્ક્રિપ્ટમાં કરવા તેણે મને મનાવી લીધો. જો કે અમારી તકલીફો આટલેથી અટકી નહીં. એક આખી મંડળી હતી એ જાણે કે ગાઈડ વિરૂદ્ધ દુષ્પ્રચારનો ઝંડો લઈને નીકળી પડી હતી. દેવ આનંદ દેવાળિયો થઈ જશે, ફિલ્મ પૂરી જ નહિ થાય, વ્યભિચાર જેવો વિષય ઓડિયન્સ નહીં જ સ્વીકારે અને બીજું ઘણું બધું. અનેક સમસ્યાઓ વચ્ચે પણ અમે નક્કી કર્યા મુજબ ફિલ્મના બંને વર્ઝન પૂરા કરી રિલીઝ કર્યા. ‘ ગાઈડ ‘ ના અંગ્રેજી વર્ઝનને ઘણો મોળો પ્રતિસાદ મળ્યો જ્યારે હિંદી વર્ઝન ના અંતને સમજતા અને પચાવતા ઓડિયન્સને સમય લાગ્યો. ‘ ગાઈડ ‘ પર કામ કરવું મારા માટે એક યાદગાર, આધ્યાત્મિક અને આંતરિક રીતે સમૃદ્ધ બનાવનાર અનુભવ રહ્યો.”
કથાસાર :-
ફિલ્મ શરૂ થાય છે નાયક રાજુ ( દેવ આનંદ ) ના જેલમાંથી છુટકારા સાથે. પોતાના ભૂતકાળ સાથે છેડો ફાડીને અજાણ્યા પ્રદેશ તરફ ચાલી નીકળેલ રાજુ એક ગામમાં જઈ ચડે છે જ્યાં અકસ્માતે લોકો તેને સાધુ – મહાત્મા સમજી બેસે છે. વાર્તાના ઉધાડ સાથે સમજાય કે રાજુ એક ટુરિસ્ટ ગાઈડ છે જે પોતાના ભાષાઓ પરના પ્રભુત્વ, વાક્ચાતુર્ય અને હસમુખા સ્વભાવને લીધે પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે. એકવાર માર્કો નામનો એક પુરાતત્વવિદ ( કિશોર સાહુ ) પોતાની પત્ની રોઝી ( વહીદા રહેમાન ) સાથે આવે છે અને રાજુને ગાઈડ તરીકે રોકે છે. માર્કો નજીકના જંગલોમાં આવેલી કોઈક દટાયેલી ઐતિહાસિક ગુફાઓ શોધવા આવ્યો છે અને તેને પોતાના ધ્યેય સિવાય કશામાં રસ નથી. પત્ની રોઝીમાં તો બિલકુલ નહિ, સ્ત્રી જાણે તેને મન પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટેનું રમકડું માત્ર હોય. રોઝી એક દેવદાસીની દીકરી અને પોતે ખૂબ સરસ નૃત્યાંગના છે. પોતાની માના બદનામ ઇતિહાસની મજબૂરીમાં તે મોટી ઉંમરના મર્કોને પરણી છે અને પતિની ઉપેક્ષાથી ખૂબ વ્યથિત છે. એક દિવસ હતાશામાં રોઝી આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ બચી જાય છે. આ કપરા સમયમાં રાજુની હૂંફ રોઝીને જીવન તરફ વાળે છે. બંને વચ્ચે કૂણી લાગણીઓ જન્મી ચૂકી છે પણ રોઝી માટે આ સંબંધ સમાજની દૃષ્ટિએ વ્યભિચાર ગણાય અને રાજુ એ પણ પોતાના ઘરના સહિત આખા સમાજ સામે ઝીંક ઝીલવી પડે. બધાના વિરોધ વચ્ચે પણ બંને પ્રેમીઓ એક નવા શહેરમાં જઈ નવેસરથી જીંદગી શરૂ કરે છે, જ્યાં રાજુની વાકપટુતા અને રોઝીની અદભુત નૃત્યકલા, બંનેનો સમન્વય તેઓને સફળતા અને સમૃદ્ધિ સુધી લઈ જાય છે. ચારે તરફ સુખ જ સુખ દેખાતું હોય ત્યાં ઘણીવાર દુઃખ હળવેકથી પ્રવેશી જાય છે. પૈસા સાથે આવતા મોટાભાગે અનિવાર્ય દુષણો જેવા શરાબ અને જુગાર રાજુ પર કબજો જમાવે છે. આનાથી દુઃખી રોઝી કંઈ બોલ્યા વિના મનથી રાજુથી દૂર થતી જાય છે. જાણે બંને એક જ છત નીચે અજાણ્યાં થઈને રહેતા હોય. એવામાં રોઝીનો પતિ માર્કો તેને ફરીથી પામવા માટે એક યુક્તિ કરે છે જેને ટાળવાના પ્રયાસમાં રાજુ અમુક અગત્યના કાગળો પર જાતે રોઝીની સહી કરવાનો ગુનો કરે છે જે બદલ જેલની સજા પામે છે. બંને પ્રેમીઓને એકમેકની મનઃસ્થિતિનો ખ્યાલ આવતા સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
જેલવાસ પછી પેલા ગામમાં જઈ ચડેલો રાજુ જે ગ્રામજનોની નજરમાં સંત છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ ગ્રામવાસીઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં અને ગામમાં શાળા, દવાખાના જેવી સગવડો ઊભી કરવામાં કરે છે જેથી તેના પ્રત્યેની લોકોની શ્રદ્ધામાં ઉમેરો થાય છે. ગામમાં દુકાળ પડતા ગ્રામજનો ભૂખ અને ગરીબીથી ત્રસ્ત થઈ લૂંટફાટ તરફ વળતા હોય છે ત્યારે એક ગેરસમજણમાં તેઓ સમજી બેસે છે કે રાજુ સ્વામી ગામમાં વરસાદ લાવવા અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે. રાજુના મનમાં દ્વંદ જામ્યું છે કે માણસની ભૂખ અને વરસાદના વાદળ વચ્ચે વળી શું સંબંધ? જો પોતે ભાગી છૂટે તો ભોળા ગ્રામજનોની આસ્થાનું શું? દર્શક તરીકે આપણને પ્રશ્ન થાય કે રોઝી ફરીથી કદી રાજુને મળી શકશે? શું ગામડાંના લોકોને રાજુની હકીકત વિશે ખબર પડશે? રાજુ ખરેખર મહાત્મા બની ગયો કે શું? વરસાદ પડશે કે નહિ? શ્રદ્ધા અને વિશ્વાસ ચમત્કારો સર્જી શકે ખરા? આ બધાં પ્રશ્નોના જવાબ માટે જુઓ ‘ ગાઈડ ‘
‘ ગાઈડ ‘ ને યાદગાર બનાવનાર બાબતો :-
ફિલ્મ ‘ ગાઈડ ‘ નો હિંદી સિનેમાની ક્લાસિક ફિલ્મોમાં સમાવેશ થાય છે. તે માટે જવાબદાર મુખ્ય પરિબળોની વાત કરીએ. સૌથી પહેલું, ટાઇટલ રોલમાં દેવ આનંદનો અદભુત અભિનય. રાજુ ગાઇડના પાત્રમાં દેવ સાબ એટલા બધા કનવિંસિંગ લાગે છે કે રાજુના હાસ્ય, પ્રેમ, રોમાંચ, ગુસ્સો, અહંકાર, હૃદયભંગ, પસ્તાવો, મનોમંથન, મુક્તિ એ તમામ લાગણીઓ સાથે દર્શક તાદાત્મ્ય અનુભવી શકે. રોઝીના પાત્રમાં વહીદાજી સૌંદર્ય, અભિનય અને નૃત્યના ત્રિવેણી સંગમ સમા લાગે છે.
આજના સમયમાં પણ બોલ્ડ લાગે તેવા આ રોલ માટે બીજું કોઈ નામ સૂઝે તેમ છે જ નહીં. બંજારા બસ્તીમાં નાગિન ડાન્સ વાળી એપિક સિકવન્સ, બધા જ સ્ટેજ પરફોર્મન્સિસ, રોઝીના દુઃખદર્દ, ખુશીઓ, સંઘર્ષ, વ્યથા બધું જ ગજબ રીતે વહીદાજીએ ઉપસાવ્યું છે. ફિલ્મની સપોર્ટ કાસ્ટે – કિશોર સાહુ, લીલા ચિટનીસ, અનવર હુસૈન, ગજાનન જાગીરદાર – પણ પોતાના ભાગે પડતું કામ સરસ રીતે નિભાવ્યું છે. જો કે મારા માટે આ ફિલ્મના અસલી હીરો છે દિગ્દર્શક વિજય આનંદ. ( આ માણસ એક સ્વતંત્ર પુસ્તકનો વિષય છે ) કદાચ તેમણે ફિલ્મને તેના અંગ્રેજી વર્ઝન ની જેમ ડૂબવા ન દીધી એમ કહેવું અતિશયોક્તિ નથી. સ્ક્રિપ્ટમાં ભારતીય દર્શકોના માફક આવે તેવા ફેરફાર કરવાથી માંડીને ફિલ્મ નિર્માણના બધા વિભાગો પાસેથી ધારેલું કામ કઢાવીને ગોલ્ડી ( વિજય આનંદનું હુલામણું નામ ) એ કમાલ કરી છે. આગળ જતાં યોગ્ય રીતે જ તે હિંદી સિનેમાના દિગ્ગજ દિગ્દર્શકોમાં સ્થાન પામ્યા. ( એક આડવાત : વિજય આનંદની ફિલ્મોનું સોંગ પિકચરાઈઝેશન હંમેશા દિલકશ રહ્યું છે. પછી એ ‘ ગાઇડ ‘ નું તેરે મેરે સપને અબ એક રંગ હૈ હોય કે ફિલ્મ ‘ તેરે મેરે સપને ‘ નું મૈંને કસમ લી, જેવેલથીફનું “રુલા કે ગયા સપના મેરા…”, ‘ જોની મેરા નામ ‘ નું ઓ બાબુલ પ્યારે હોય કે પલભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે. )
ગાઈડ ના અમર ગીતો અને સંગીત
‘ ગાઈડ ‘ ની વાત કરો અને શૈલેન્દ્ર સાહેબના ગીતો અને સચિન દા ના સંગીતની વાત ના આવે તો સિને ચાહકોની નજરમાં ગુનાહ – એ – અઝીમ કહેવાય. હિંદી ફિલ્મોના ગીત સંગીતનો સુવર્ણયુગ કેવો હતો એનું સરસ ઉદાહરણ એટલે આ ફિલ્મનું આખું આલ્બમ. શું કમાલના લીરિક્સ! શું ગજબની ધૂન! સ્ટોરીને આગળ વધારતા ગીતો અને પાત્રોની લાગણીઓને વાચા આપતા શબ્દો ! ગીતની સિચ્યુએશન મુજબ વાજીંત્રો નો ઉપયોગ !
એવું કહેવાય છે કે શરૂમાં આ ફિલ્મ માટે ગીતો લખવા માટે હસરત જયપુરીનો સંપર્ક કરવામાં આવેલો પણ એમના કામથી આનંદ બંધુઓને ખાસ સંતોષ થયો નહીં એટલે શૈલેન્દ્રને બોલાવવામાં આવ્યા. તેઓ એ જાણીને વ્યથિત થયા કે આ પ્રોજેક્ટ માટે પોતે પહેલી પસંદ નહોતા. તેમણે એવી ફી માંગી કે દેવ આનંદ ઇનકાર જ કરે, પણ શૈલેન્દ્રની કલમના જાદુથી સુપેરે માહિતગાર દેવ આનંદે તેમને માંગેલી ફી આપવા સંમતિ આપી દીધી. અને પછી લખાયા એ જાદુઈ ગીતો જેની અસર આજે 55 વર્ષે પણ જરાય ઓસરી નથી. આ ફિલ્મના ગીતોમાં શૈલેન્દ્રજીની કલમના અમુક ચમકારા જોઈએ.
- રાજુ જેલમાંથી છૂટીને પોતાના ભૂતકાળથી છેડો ફાડીને આગળ વધવા અજાણ્યાં રસ્તે ચાલી નીકળ્યો છે, બેકગ્રાઉન્ડ માં ગીત વાગે છે, ‘ મુસાફિર, તું જાયેગા કહાં ? ‘
કહેતે હૈ જ્ઞાની, દુનિયા હૈ ફાની,
પાની પે લીખી લિખાઈ,
હૈ સબકી દેખી, હૈ સબકી જાની,
હાથ કિસીકે ના આઇ,
કુછ તેરા, ના મેરા,
મુસાફિર જાયેગા કહાં?
સચિન દેવ બર્મનના અવાજમાં આ ગીત જાણે જીંદગીનું દર્શન રજૂ કરે છે.
- માર્કોથી આઝાદ થવાની રાહત અને રોમાંચથી ભરેલી રોઝી જાણે 16 વર્ષની નવયુવતી જેટલી ઉત્સાહિત છે. ત્યાં આવતા ગીત ‘ આજ ફિર જીને કી તમન્ના હૈ ‘ ના શબ્દો જુઓ,
કાંટો સે ખીંચ કે યે આંચલ,
તોડ કે બંધન બાંધી પાયલ,
કોઈ ના રોકો દિલ કી ઉડાન કો,
દિલ વો ચલા, આહા હા હા…
આજ ફિર જીને કી તમન્ના હૈ,
આજ ફિર મરને કા ઇરાદા હૈ.
- દુઃખોથી ઘેરાયેલી રોઝી પ્રત્યે પોતાનો શુદ્ધ પ્રેમ અને મક્કમ ઇરાદા વ્યક્ત કરતા રાજુના મોઢે આવતું ગીત, ‘ તેરે મેરે સપને અબ એક રંગ હૈ ‘ જુઓ,
મેરે તેરે દિલ કા, તય થા એક દિન મિલના,
જૈસે બહાર આને પર, તય હૈ ફૂલ કા ખિલના,
ઓ મેરે જીવનસાથી,
તેરે મેરે સપને અબ એક રંગ હૈ,
જહાં ભી લે જાયે રાહે, હમ સંગ હૈ.
- રાજુનો સંગાથ મળતાં નવપલ્લવિત થયેલી રોઝી પોતાના જીવન સ્વપ્નને જીવતી હોય તેમ જ્યારે સ્ટેજ પર નૃત્ય કરે ત્યારે આવતું ગીત, ‘ પિયા તો સે નૈના લાગે ‘ માં તો એક એક અંતરાના પિકચરાઈઝેશન અને શબ્દો બંને ધ્યાન આપવા જેવા છે.
રાત કો જબ ચાંદ ચમકે,જલ ઊઠે મન મેરા,
મૈં કહું મત કર ઓ ચંદા, ઇસ ગલી કા ફેરા,
આના મોરા સૈયાં જબ આયે,
ચમકના ઉસ રાત કો જબ,
મિલેંગે તનમન, મિલેંગે તનમન,
પિયા તો સે નૈના લાગે રે,
જાને ક્યા હો અબ આગે રે.
- રોઝી માને છે કે રાજુએ સાવ નજીવી રકમ માટે મારી નકલી સહી કરવાનો ગુનો કર્યો, રાજુ વ્યથિત છે કે જે સ્ત્રીનું જીવન સંવારવા માટે એણે સર્વસ્વ દાવ પર લગાવી દીધું એ સ્ત્રી પણ પોતાને સમજી ના શકી. આરોપ પ્રત્યારોપ અહીં એક પછી એક તરત જ આવતા બે ગીતો માં રજુ થાય છે.
પહેલાં રોઝી કહેતી હોય તેમ ગીત આવે છે કે,
‘ મો સે છલ કિયે જાય,
હાય રે હાય, હાય રે હાય,
દેખો સૈયા બેઈમાન
અને રાજુ જવાબ આપતો હોય તેમ ગાય છે.
ચલો સુહાના ભરમ તો તૂટા,
જાના કે હુશ્ન ક્યા હૈ,
કહેતી હૈ દુનિયા પ્યાર જીસકો,
ક્યા ચીઝ, ક્યા બલા હૈ,
દિલને ક્યા ના સહા, તેરે પ્યાર મેં,
ક્યા સે કયા હો ગયા, બેવફા, તેરે પ્યાર મેં…
- એન્ડ લાસ્ટ બટ સર્ટેંનલી નોટ ધ લીસ્ટ, પર્સનલ ફેવરિટ એવું રાજુના મોહભંગને વાચા આપતું ગીત, ‘ દિન ઢલ જાયે, હાય રાત ના જાય ‘
પ્યાર મેં જિનકે સબ જગ છોડા,
ઔર હુએ બદનામ,
ઉનકે હી હાથો હાલ હુઆ યે,
બૈઠે હૈ દિલ કો થામ,
અપને કભી થે, અબ હૈ પરાયે,
દિન ઢલ જાયે, હાયે રાત ના જાયે,
તું તો ના આયે, તેરી યાદ સતાયે…
ગાઈડ ના સંગીતની વાત કરીએ તો કાયમની જેમ આ ફિલ્મમાં પણ દેવ સાબને એમના સૌથી માનીતા સંગીતકાર સચિનદેવ બર્મનને જ લેવા હતાં. સચિનદા પણ પોતાની જાતને ફરી એકવાર સાબિત કરવા આવો જ કોઈ મોકો શોધતા હતા, પણ તેમની નાદુરસ્ત તબિયતના લીધે તેમણે દેવ આનંદને કોઈ બીજા સંગીતકાર શોધી લેવા કહ્યું. જવાબમાં દેવ સાબે સચિનદા સંપૂર્ણ સ્વસ્થ ના થાય ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવાનું નક્કી કર્યું. અને વિન્ટેજ વાઇન જેવા સચિનદેવ બર્મન સ્વસ્થ થઈને કામે વળગ્યાં તો ગાઈડ નું અમર સંગીત સર્જીને ઇતિહાસ રચી નાખ્યો ( જો કે ભયંકર નવાઈ પમાડે એવી વાત એ છે કે સાત – સાત ફિલ્મફેર જીતનાર ફિલ્મ ગાઈડ ને સંગીત કે પાર્શ્વ ગાયનમાં કોઈ એવોર્ડ ના મળ્યો )
કુછ બાતેં ઔર :-
સમય જતાં ‘ ગાઈડ ‘ સિનેમાના ઇતિહાસમાં કલ્ટ ફિલ્મ સાબિત થઈ. 2008માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લાસિક સેગમેન્ટમાં આ ફિલ્મને આમંત્રણ આપી રજૂ કરવામાં આવી.
ગાઈડના કલાઈમેક્સના દુકાળના દ્રશ્યો ગુજરાતના લીમડી નજીક ફિલ્માવાયા હતા. તે વખતે વરસાદ વિનાનો એ પ્રદેશ સ્ક્રિપ્ટની માંગ મુજબ પરફેક્ટ લોકેશન બન્યો.
નસીરુદ્દીન શાહ, ઓમ પુરી કે બીજા ભારતીય કલાકારો કરતાં ક્યાંય પહેલાં દેવ આનંદે ભારતીય ફિલ્મોને હોલીવુડમાં પ્રસિદ્ધ કરી. ( નાસીર સાબ ગાઈડ ને સર્વાંગ સંપૂર્ણ ફિલ્મ કહે છે )
આર. કે. નારાયણને આ નવલકથાનું વિચારબીજ તેમના વતન મૈસૂરમાં પડેલા દુકાળ અને વરસાદ લાવવા માટે ત્યાંના બ્રાહ્મણોએ આદરેલા 12 દિવસના નકોરડા ઉપવાસના એક સમાચારમાંથી મળ્યું હતું.
અલ્લાહ મેઘ દે પાની દે ગીત એક બંગાળી લોકગીત પરથી લેવામાં આવ્યું ( અને આ ગીતને દે દે પ્યાર દે – શરાબી ફિલ્મના આ ગીતમાં ફરી રિક્રીએટ કરાયું.
શરૂમાં દેવ આનંદ આજ ફિર જીને કી તમન્ના હૈ ગીત સાથે બહુ સહમત નહોતા, પણ વિજય આનંદના આગ્રહથી જ્યારે તેમણે ફાઈનલી પિકચરાઈઝ થયેલું ગીત જોયું તો પોતાનો મત બદલવો પડ્યો.
ખૂબ જાણીતો પ્રસંગ એ પણ છે કે નારાયણ પોતાની નવલકથાના ફિલ્મી સંસ્કરણ પ્રત્યે ખાસ્સા નિરાશ થયેલા. ત્યાં સુધી કે અંગ્રેજી વર્ઝન વિશે તો તેમણે નારાજ થઈને એક મેગેઝિનમાં ‘ મિસગાઈડેડ ગાઈડ ‘ મથાળા સાથે આર્ટિકલ પણ લખેલો.
જતાં જતાં :-
પશ્ચાતાપની આગમાં તપીને માનવીનું મન શુદ્ધ સોનું બને છે. વાલિયા લૂંટારામાંથી વલ્મિકીજીનું રૂપાંતર એ આ વાતનું ઉદાહરણ છે. આવી જ થીમની વાત કરતી આ ફિલ્મ જ્યાં નાયક લોકોને જગ્યાઓ બતાવનાર અને માહિતગાર કરનાર હોય છે તે પોતે જ જીવનપથ પર ભૂલો પડે અને પછી સાચો માર્ગ શોધવની સફર આરંભે છે. ફિલ્મમાં એક જગ્યાએ દેવ આનંદના મુખે બોલાયેલા સંવાદ , ” ન સુખ હૈ, ન દુઃખ હૈ , ન દીન, ન દુનિયા, ન ઇન્સાન, ન ભગવાન, સિર્ફ મૈં હિ મૈં હૂં. મૈં હિ મૈં. ” જાણે ગીતાસાર અને ભારતીય દર્શનની જ ઝાંખી છે. સૌથી કપરી સફર એ હોય છે માનવીના મન તરફની હોય ! યાકૂબ પરવાઝનો એક શેર યાદ આવે છે,
” રેહઝન હૂં કિ રહનુમા હૂં,
કૌન જાને કિ અસ્લ ક્યા હૂં મૈં ! “
રેહઝન – વટેમાર્ગુઓ ને લૂંટનાર
રહનુમા – માર્ગદર્શક, ગાઈડ.
Blog By:- Keyur Trivedi
Team Flashback Stories
દિલિપ મહેતા
ખૂબ સુંદર લેખ ! અભિનંદન !બ્લોગ ને જોઈને જ વાંચવાનું મન થાય એવો ચિત્ત આકર્ષક બનાવ્યો છે. ગમ્યું .
Maitri Trivedi
Mast writing. Film joi nathi pan blog vanchine jovani ichchha 100% thay