તમે બેર ગ્રિલ્સનું નામ તો સાંભળ્યું જ હશે. હા, ડિસ્કવરી પર આવતા પેલા પ્રખ્યાત શો ‘મેન વર્સીસ વાઇલ્ડ’ના પ્રેઝન્ટર. તે શોમાં બેર વિવિધ દેશોના અત્યંત દુર્ગમ કહી શકાય એવા જંગલ, પર્વત, રણ, વર્ષાવન, સમુદ્રતટ, હિમાચ્છાદિત વિસ્તાર વગેરેમાંથી સલામત રીતે કેવી રીતે બહાર નીકળી શકાય તેની ટેકનીક શીખવે છે. એક મિનિટ માટે વિચારો કે બેર ગ્રિલ્સની જેમ તમે કોઈ નિર્જન ટાપુ પર ફસાઈ જાવ અને તમારી પાસે ટકી રહેવા માટે સાવ નગણ્ય કહી શકાય તેટલા જ સાધનો હોય તો તમારું શું થાય? આ વિચાર જ કેટલો ખતરનાક છે, નહીં? હવે જો હું તમને એમ કહું કે એક વ્યક્તિ આવી દુર્ગમ પરિસ્થિતિઓમાં એક વેરાન ટાપુ પર તમે વિચારી પણ ના શકો એટલા દિવસો કાઢે છે તો? જી હા, તમે બરાબર સમજયા, હું વાત કરી રહ્યો છું ટોમ હેંક્સ અભિનીત અદભુત ફિલ્મ ‘ કાસ્ટ અવે’ની. ( જો ફિલ્મ તમે ન જોઈ હોય તો પણ આર્ટીકલ વાંચજો. ફિલ્મના ટ્રેલરમાં જેટલી વાર્તા ખુલે છે એનાથી વધારે એક પણ સ્પોઇલર આર્ટિકલમાં નથી )
Cast Away Trailer:- https://www.youtube.com/watch?v=2TWYDogv4WQ
૨૦૦૦ની સાલમાં ક્રિસમસ ટાણે રિલીઝ થઈને ધૂમ કમાણી કરી ગયેલી ફિલ્મ ‘ કાસ્ટ અવે’ સર્વાઈવલ ડ્રામા જોનરની ફિલ્મ છે, જે દાદુ એક્ટર ટોમ હેન્કસના કરિયરનો મહત્વનો માઈલસ્ટોન સાબિત થઈ.
( આ ટોમભાઈ એક ફિલ્મ કરવાની જેટલી ફી લે છે,
તેટલું તો ભારતમાં બનતી ઘણી ફિલ્મોનું ટોટલ બજેટ પણ નથી હોતું. )
ફિલ્મની કથા પર નજર કરીએ તો ચક નોલાન્ડ ( ટોમ ) વિખ્યાત કુરિયર કંપની ફેડેક્સમાં કામ કરતો સિસ્ટમ એનાલિસ્ટ છે જે ફેડેક્સની વિશ્વભરમાં ફેલાયેલી વિવિધ ઑફિસમાં જઈ ડિલિવરી પ્રોસેસ ઝડપી અને ક્ષતિરહિત બનાવવા માટેના ઉપાયો સૂચવે છે. ચક એ ઘડિયાળના કાંટે જીવનારો છે અને પળે પળની કિંમત જાણનારો માણસ છે. અમેરિકાના એક શહેર મેમ્ફિસ માં પોતાની પ્રેમિકા સાથે મોજમાં જીવતા ચકના જીવનમાં તેની આ પડકારરૂપ નોકરી સતત આડે આવે છે. ક્રિસમસની સાંજે ફેમિલી ડિનર કરતા ચકને અચાનક એક અત્યંત મહત્વપૂર્ણ કામ માટે મલેશિયા જવાનું થાય છે. પોતાની પ્રેમિકાને ‘ ૩૧મી ડિસેમ્બરની રાત્રે ન્યુ યર સાથે ઉજવીશું ‘ અને i will be right backનો વાયદો કરીને ચક ફેડેકસની કાર્ગો ફ્લાઇટ પર સવાર થાય છે, જે કમનસીબે ખરાબ વાતાવરણ અને યાંત્રિક ક્ષતિનો ભોગ બનીને પેસિફિક મહાસાગરમાં તૂટી પડે છે. ફલાઇટમાં સવાર સાતેક વ્યક્તિઓમાંથી માત્ર ચક જીવીત રહે છે અને લાઇફજેકેટ અને લાઈફબોટના સહારે તણાઈને એક નિર્જન ટાપુના કિનારે પહોંચી જાય છે. ચારે તરફ સમુદ્ર , ખોરાક,પાણી અને ઘર, જેવી સગવડોની ગેરહાજરી, પાછા જવા માટેની વ્યવસ્થાનો અભાવ, કોઈપણ પ્રકારે સંદેશો મોકલી શકવાની સગવડનો અભાવ – આ બધી તકલીફોમાં અટવાયેલા ચક સાથે આગળ શું બને છે તેની વાત એટલે ફિલ્મ કાસ્ટ અવે.
આ વિચારને ફિલ્મમાં રૂપાંતરિત કરવા માટે ટોમની સાથે આવ્યા એપોલો 13, પોલાર એક્સપ્રેસ, અનફેઈથફૂલ, પ્લેનેટ ઓફ ધી એપ્સ જેવી ફિલ્મોના સ્ક્રીનરાઇટર વિલિયમ બ્રોંલ્સ જુનિયર અને બેક ટુ ધ ફ્યુચર ટ્રીલોજી, પોલર એક્સપ્રેસ, ધ વોક, ફ્લાઇટ અને ફોરેસ્ટ ગમ્પ જેવી સફળ ફિલ્મો ના દિર્ગ્દર્શક રોબર્ટ ઝેમેકિસ , ( બાય ધ વે, ફોરેસ્ટ ગમ્પની ઑફિશિયલ એડપટેશન ‘ લાલસિંહ ચઢ્ઢા ‘ નામથી બની રહી છે જેમાં આમિર ખાન અને વિજય સેથુપતી એકસાથે આવી રહ્યા છે )
આ ટીમ એક બાબતે બહુ સ્પષ્ટ હતી કે આ પ્રકારની ફિલ્મોમાં મોટાભાગે બનતું હોય છે તેમ ફિલ્મને બહુ બોલકી નથી બનાવવી. આ ફિલ્મના લેખન વખતે વિલિયમ એક નિર્જન ટાપુ પર ફસાયેલ વ્યક્તિને કઈ કઈ તકલીફ પડી શકે તે સમજવા માટે થોડાક સર્વાઇવલ એક્સપોર્ટ સાથે જાતે જ આવા એક ટાપુ પર ગયાં અને કોઈ પણ પ્રકારની બાહ્ય મદદ વિના આ ટાપુ પર એમણે સાવ એકલા રહી થોડાક દિવસ પસાર કર્યા. પીવાના ચોખ્ખા પાણી માટે વૃક્ષોનાં પાંદડાં પર વહેલી સવારે બાઝેલા ઝાકળના ટીપાં ભેગા કરવા, અણીદાર લાકડી વડે માછલીનો શિકાર કરવો, કોઈ ઓજાર વગર નારિયેળ છોલવું વગેરે જેવા વિલિયમના પોતાના અનુભવ પાછળથી ફિલ્મમાં આવ્યા. ટાપુ પર દરિયાકિનારે ક્યાંકથી તણાઈ આવેલ એક વોલીબોલ જોઈને વિલિયમને wilsonનું પાત્ર સર્જવાની પ્રેરણા મળી. ( ફિલ્મમાં કાર્ગો પ્લેન ક્રેશ પછી ટાપુ પર તણાઈ આવતા અમુક પેકેટ્સમાંથી ચકને વિલ્સન કંપનીનો વોલીબોલ મળે છે, પોતાની એકલતા ભાંગવા ચક વિલ્સન વોલીબોલને સજીવ સાથી માનીને તેની સાથે પોતાની વાતો અને વિચારો શેર કરવા લાગે છે. આ ટ્રિક ફિલ્મની કથાને આગળ વધારવામાં અને નિર્જન ટાપુ પર ફસાયેલ ચક લાગણીઓના કેવા કેવા ઊતાર ચઢાવમાંથી પસાર થાય છે એ ઉપસાવવામાં મદદરૂપ બની.
લગભગ બે કલાક અને બાવીસ મિનિટની આ ફિલ્મમાં એક કલાક વીસ મિનિટ જેટલો સમય નિર્જન ટાપુ પર વીતે છે. એ દરમિયાન સ્વાભાવિક રીતે જ ચક સિવાયનો બીજો કોઇ પણ માનવીય અવાજ દર્શકોને સાંભળવા નથી મળતો. એટલે સુધી કે ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરમાં પણ ટાપુના જેટલા દ્રશ્યો છે તેમાં દરિયાના મોજા, ઘૂઘવાટ, પંખીઓનો કલરવ અને પવનમાં લહેરાતા વૃક્ષોના ધ્વનિ સિવાય કંઇ જ કાને નથી પડતું. જાણે દિગ્દર્શક ભેંકાર એકાંતના લીધે ચકને અનુભવાતી પીડા તમને પણ મહેસૂસ કરાવવા માંગતા હોય. ફેડેક્સ કંપની આ ફિલ્મમાં એક પાત્ર તરીકે ઉપસે છે, જે ખરેખર કોઈ પ્રોડક્ટ પ્લેસમેન્ટ નહોતું. ટોમ હેંકસે આ પાત્ર ભજવવા માટે પહેલાં ૨૦-૨૫ કિલો વજન વધાર્યું અને પછી એનાથી પણ વધુ વજન ઉતારીને ટાપુ પરના વસવાટના દ્રશ્યો કૃશકાય દશામાં ભજવ્યાં. લાંબી ઘેઘૂર દાઢી અને વાળની જટાઓમાં ટોમ ખરેખર કોઈ આદિમાનવ જેવા જ લાગે. આ ફિલ્મની રજૂઆત પછી વિલ્સન સ્પોર્ટસ કંપનીની પ્રોડક્ટ ખૂબ લોકપ્રિય બની અને જે વોલીબોલ ફિલ્મમાં વપરાયો તેની સ્પેશિયલ એડીશન પણ કંપનીએ બહાર પાડી. જે વોલીબોલ ફિલ્મમાં શૂટિંગમાં ઉપયોગમાં લેવાયો એ પાછળથી હરાજીમાં ઊંચી કિંમતે વેચાયો.
2003ની સુપરબોલ ઇવેન્ટમાં ફેડેકસ કંપનીએ ફિલ્મના અંતમાં આવતાં એક દૃશ્યની પેરોડી સમાન એક જાહેરાત રિલીઝ કરી જે ઘણી લોકપ્રિય નીવડી. ( એ જાહેરાત જોવા માટે આ લિંક પર ક્લિક કરો – ફિલ્મ જોવાની બાકી હોય તો તમારા માટે આ સ્પોઇલર હોઈ શકે https://www.youtube.com/watch?v=y0NOofGPemM )
આ બધી વિગતો અને ઘટનાઓએ પાછલા વર્ષોમાં ફિલ્મની લોકપ્રિયતામાં ખૂબ વધારો કર્યો.
કાસ્ટ અવે ફિલ્મની અમુક ક્ષણો, દ્રશ્યો, તેમાંથી ઉદ્દભવતા વિરોધાભાસ અને બિટવીન ધ લાઇન્સ કહેવાયેલી વાતો ખૂબ હૃદયસ્પર્શી છે. ફેડેકસમાં એક એક પળ કેટલી કિંમતી છે એના વિશે ઝનૂનપૂર્વક કર્મચારીઓને શિખામણ આપતો ચક પેલા ટાપુ પર સાવ નવરો છે. પસાર થઈ રહેલો સમય, દિવસ રાતની ગણતરીઓ, ચકનું અસ્તિત્વ વગેરેના સંદર્ભો જ જાણે ભૂંસાઈ ચુક્યા છે. સામાન્ય જીવનમાં સહજ રીતે પ્રાપ્ય એવી વસ્તુઓનું સાચું મૂલ્ય આવા વખતમાં ખૂબ તીવ્ર રીતે સમજાય. કલાકોના સંઘર્ષ પછી આગ પેટાવવામાં મળેલી સફળતા વિશે ચક ઉછળી ઉછળીને દુનિયાને કહેવા માંગે છે પણ ત્યાં સાંભળનાર કોઈ નથી. પ્રેમિકા, ઘર, કુટુંબ, મિત્રો બધાની યાદ આવે, ગળે ડૂમો બાઝી જાય અને ધ્રુસકે ધ્રુસકે રડવું આવે તો ત્યાં આંસુ લૂછનાર કે દિલાસો દેનાર પણ કોઈ નથી. પોતાનુ કુટુંબ અને મિત્રવર્તુળ પોતાની રાહ જોતું હશે કે પછી સૈા તેને મૃત માની ચુક્યા હશે એ વિચારે મન વ્યગ્ર પણ બને. આવામાં આત્મહત્યા જેવા વિચારો પણ ન આવે તો જ નવાઈ. અને સૌથી અગત્યનો પ્રશ્ન, તમારા જીવનની સૌથી મહત્વની વ્યક્તિ – તમારી પોતાની જાત – સાથે રહેવાનું આવે ( તે પણ આનંદ પ્રમોદ કે સમય પસાર કરવાના કોઈ જ સાધનો વગર ) તો તમે તેના માટે તૈયાર છો ખરા ? તમે પોતે આવો એકાંતવાસનો અખતરો કરી જોજો, આ કેટલું બધું થકવી દેનારું છે તે સમજાઈ જશે. ગુલઝાર સાહેબનો પેલો શેર યાદ આવે , ‘ અપને સાયે સે ચૌંક જાતે હૈ, ઉમ્ર ગુઝરી હૈ ઇસ કિસ કદર તન્હા ‘ એક વાત સમજાઈ જાય કે સુખ, સાહ્યબી, સફળતા આ બધું જ વહેંચવા માટે જો પ્રેમાળ સાથીઓ ના હોય તો બધું નિરર્થક છે. કરિયર, પૈસા અને અન્ય લક્ષ્ય પામવાની દોટમાં આ બધાં આપ્તજનોને કોરાણે મૂકવા બદલ પારાવાર પસ્તાવો પણ થઈ આવે. We live and we die by the clock કહેનાર ચકનો ભેટો એ સત્ય સાથે થાય છે કે આ વિરાટ બ્રહ્માંડ અને તેમાંના એક ગ્રહ પૃથ્વી પર વસનારા તમે પોતાને ગમે તેટલા મહાન સમજતાં હોવ, પ્રકૃતિની વિરાટ રચનામાં તમારી હેસિયત તણખલાં જેટલી પણ નથી. શેક્સપિયરે કીધું છે તેમ તમે તમારા જીવનકાળમાં તમારે ભાગે આવેલી ભૂમિકા પૂરી શિદ્દત સાથે ભજવીને જીવનમંચ પરથી ઉતરી જવા સિવાય અને જીવનમાં જે જે ઘટનાઓ બને છે તેને સમગ્રતયા સ્વીકારવા સિવાય કંઇ જ કરી શકો તેમ નથી. અસ્તિત્વવાદ અને સ્વ સાક્ષાત્કાર વિશેની મોટી મોટી લાગતી વાતો ફિલ્મમાં હળવેકથી મૂકી દેવાઈ છે.
ગાડાં નીચે ચાલનાર કૂતરું એમ માને કે આખા ગાડાં નો ભાર હું જ ખેંચું છું તેમ તમે પોતાના વિશે બહુ ઊંચો અભિપ્રાય રાખવામાં કોઈ મઝા નથી. અંતે તો સૈા ઘરની એક દિવાલ પર ફોટોફ્રેમ બનીને જ રહી જવાના છીએ. હું હું હું નો હુંકાર કર્યા વગર જીવનની પ્રત્યેક પળને મસ્તીથી સ્વીકારની ભાવના સાથે જીવો એ વાતને મસ્ત રીતે સમજાવતી આ ફિલ્મ જો બાકી હોય તો અચૂક જુઓ. ( અને જોઈ હોય તો ફરી એકવાર જોઈ કાઢો, મઝા જ આવશે. ) ઘણી કૃતિઓ ઉંમરના અલગ અલગ પડાવ પર થોડીક વધુ સમજાતી હોય છે. આવી જ એક ફિલ્મ એટલે કાસ્ટ અવે.
Life is what happens to you while you are busy making other plans.
-John Lennon ( Singer, Lyricist )
Blog & In Picture Caption
Written By:- Keyur Trivedi
( Team Flashback Stories )
Trackback URL: http://www.flashbackstories.com/cast_away/trackback/