By: Flashback Stories On: January 03, 2021 In: Blog Comments: 8

ઈન્ટરનેટ પર ખૂબ પ્રચલિત એવી એક બોધકથા તમે વાંચી જ હશે. દરેક માનવીની ભીતર બે કૂતરાં વસે છે. એક ભલો અને બીજો દુષ્ટ. બંને સતત એકબીજા સાથે લડતા રહે છે. જીત એની થાય છે, જેને તમે રોટલો આપો છો ! આ બોધને સાચો સાબિત કરતા એક એવા વ્યક્તિ અને તેના જીવન પર આધારિત ફિલ્મ વિશે આજે વાત કરવી છે, જેણે માનવ ઇતિહાસના સૌથી કપરા સમયમાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. તે વ્યક્તિ એટલે ચેકોસ્લોવેકિયાનો વતની ઓસ્કાર શિંડલર અને તે ફિલ્મ ‘ શિંડલર્સ લિસ્ટ . ‘

થોડી પૂર્વભૂમિકા :

શિંડલર્સ લિસ્ટ ફિલ્મ એ ઓસ્ટ્રેલિયન લેખક થોમસ કેનેલીના પુસ્તક ‘ શિંડલર્સ આર્ક ‘ પર આધારિત છે, જે પુસ્તકને વર્ષ 1982નું બૂકર પ્રાઈઝ મળેલું. થોમસને આ પુસ્તકના વિષયવસ્તુનું સૂચન અને પૂરક માહિતી પોલ્ડેક ફેફેરબર્ગ નામના એક યહૂદી ( કે જે પોતે એક હોલોકાસ્ટ સરવાઈવર હતા ) પાસેથી મળેલા. 60 લાખ કરતાં પણ વધુ નિર્દોષ યહૂદીઓને મોતને ઘાટ ઉતારનાર ક્રૂર નાઝી સૈન્યના પાશવી અત્યાચારોની હૃદયવિદારક વાતો આ પુસ્તકમાં છે. તેની પરથી ફિલ્મ બનાવવા વિશેની ચર્ચાઓ તો લાંબા સમયથી ચાલુ હતી, પણ આ વિરાટ કાર્યનું બીડું કોણ ઉઠાવે? આ પ્રોજેક્ટ સાથે જોડાતી વખતે વિશ્વવિખ્યાત ફિલ્મ ડાયરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને લાગ્યું કે આ વિષયને માવજત આપવા માટે જોઈતી હથોટી હજી તેમની પાસે નથી. સ્પીલબર્ગે આ ફિલ્મ રોમન પોલાંસ્કીને ડાયરેક્ટ કરવા કહ્યુ, ત્યારે પોલાંસ્કી કે જે પોતે બાળપણમાં હોલોકાસ્ટ કેમ્પમાં રહીને પોતાના માતાને ગુમાવી ચૂક્યા હતા તેમણે અંગત વેદનાનો હવાલો આપીને આ ઓફરને નકારી કાઢી. ( પાછળથી જોકે 2003માં તેમણે આવા જ વિષય પર ઓસ્કાર એવોર્ડ વિનીંગ ફિલ્મ ‘ ધ પિયાનિસ્ટ ‘ બનાવી. ) માર્ટીન સ્કોર્સિસી અને બીજા એક બે ડાયરેક્ટર પાસે વાત ગયા પછી અને દસેક વર્ષનો સમય લીધા પછી આખરે સ્પીલબર્ગને લાગ્યું કે હવે તે આ વિષય પર ફિલ્મ બનાવવા તૈયાર થઈ ચૂક્યા છે અને પછી તે થયું જેના માટે અંગ્રેજીમાં કહેવાય છે કે, ‘ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ‘

કથાસાર

દ્વિતીય વિશ્વયુદ્ધનો ભીષણ સમય છે. જર્મનીએ પોલેન્ડ પચાવી પાડ્યું છે અને ત્યાં સદીઓથી વસતા યહૂદીઓને ક્રેકોવ શહેરમાં બનાવાયેલા કેમ્પ ( ઘેટ્ટો )માં ઘેટાંબકરાંની જેમ ઠુંસવામાં આવી રહ્યા છે. અકળ ભાવિના અમંગળ એંધાણ અનુભવતા યહૂદીઓ પાસે ઘરબાર, ધનદોલત મૂકીને ચાલી નીકળવા સિવાય કોઈ રસ્તો જ નથી. આવામાં ચેકોસ્લોવેકીયાનો એક બિઝનેસમેન કે જે નાઝી પાર્ટીનો મેમ્બર પણ છે તે, નામે ઓસ્કાર શિંડલર ( અદભુત લિયમ નિસન ), આ ક્રેકોવ શહેરમાં આવે છે. ગણતરીબાજ, ખંધો, ચાલાક અને ચલતા પૂર્જા જેવો ઓસ્કાર એક પછી એક નાઝી આર્મી ઓફિસરોને શરાબ, સુંદરી અને નગદ નારાયણની લાલચ આપીને વાસણો બનાવતી એક ફેક્ટરી, તેમાં કામે લગાડવા સાવ સસ્તા ભાવમાં યહૂદી મજૂરો અને આર્મી સપ્લાય માટેના મોટા કોંટ્રેક્ટ્સ મેળવી લે છે. ભીષણ નરસંહાર વચ્ચે પણ ઓસ્કાર તો નોટો છાપવામાં જ વ્યસ્ત છે. ઓસ્કારની ફેક્ટરીનો યહૂદી એકાઉન્ટન્ટ ઇઝાક સ્ટર્ન ( અવિસ્મરણીય સર બેન કિંગ્સલે ) પોતાના બનતા બધા પ્રયત્નો વડે શક્ય તેટલા વધુ યહૂદી મજૂરોને ફેકટરીમાં કામ પર લગાડવા પ્રયત્ન કરે છે. એમોન ગોથ ( ડરામણો રાલ્ફ ફિનીઝ ) નામનો ઘાતકી નાઝી ઓફિસર યહૂદીઓને બંદૂકની ગોળીઓ વડે આડેધડ ઉડાડીને પિશાચી આનંદ માણે છે. નાઝી સેનાના આવા અત્યાચારનો મૂક સાક્ષી બનતા ઓસ્કાર અંદરથી ધ્રુજી જાય છે અને તેની અંદરનો માનવી જાગી ઊઠે છે. ફેક્ટરી ચલાવવાના ઓઠા હેઠળ હવે એ શક્ય તેટલા વધુ યહૂદીઓને બચાવવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દે છે. શું ઓસ્કાર સફળ થશે? નાઝી ઓફિસરોને ગંધ આવે તો ઓસ્કારના શું હાલ થાય? લાખો યહૂદીઓના હત્યાકાંડમાં ઓસ્કાર કેટલાને બચાવી શકશે ? અને બચાવી પણ શકશે કે નહીં એ બધા સવાલોના જવાબ માટે તમારે ફિલ્મ જોવી રહી.

આહ ! ક્યા સીન હૈ !

આમ તો આખી ફિલ્મ યાદગાર છે પણ ફિલ્મના અમુક ખાસ દ્રશ્યોનો ઉલ્લેખ કરવો છે.

  • ફિલ્મ કોઈપણ જાતની ઓપનિંગ ક્રેડિટ ને બદલે બે મીણબત્તીઓ પેટાવીને થઈ રહેલી યહૂદી પ્રાર્થનાથી શરૂ થાય છે.
  • આખા શહેરમાંથી યહૂદીઓને નાઝી સૈનિકો દ્વારા બંદૂકની અણીએ ઘેટ્ટોમાં ભેગા કરાઈ રહ્યા છે, ત્યારે યહૂદીઓ પ્રત્યેના નાઝીઓના દુષ્પ્રચારથી ભ્રમિત અને નફરત ધરાવનાર વર્ગના પ્રતીક સમી એક સાત આઠ વર્ષની બાળકી બૂમ પાડીને યહૂદીઓને કહે છે, ‘ ગુડ બાય જ્યુઝ… ‘ આગળ જતાં આ યહૂદીઓ પર કેવી કેવી આફતો આવવાની છે એનો અણસાર આ સિનમાં આવે છે.
  • પોતાના ભર્યા ભાદર્યા ઘરને મૂકીને ખંડેર જેવા ઘેટ્ટોમાં રહેવાની ફરજ પડવાને લીધે વ્યથિત પત્નીને તેનો પતિ આશ્વાસન આપે છે કે ‘ રિલેક્સ, આનાથી વધુ ભૂંડું તો શું થવાનું? ‘ અને ત્યાં જ એ નાનકડા ઓરડામાં રહેવા બીજા બે – ત્રણ ગરીબ પરિવારો પ્રવેશે છે.
  • પત્ની સાથે ડિનર લેતા લેતા ઓસ્કાર અત્યાર સુધીમાં પોતાને જુદા જુદા બિઝનેસમાં હાથ અજમાવીને મળેલી નિષ્ફળતા વિશે વાત કરતાં કહે છે, તું જાણે છે ડાર્લિંગ, મારી સફળતા માટે આજ પહેલાં એક જ વસ્તુ ખૂટતી હતી. ખબર છે શું? તેની પત્ની કહે છે, નસીબ !? ઓસ્કાર જવાબમાં કહે છે, ‘ યુદ્ધ ! ‘
  • એક દ્રશ્યમાં એક કેમ્પમાંથી બીજા કેમ્પમાં સ્થળાંતરથી બચવા અમુક બાળકો કેમ્પમાં વિવિધ જગ્યાએ સંતાઈ જાય છે, એક બાળક સંતાવા માટે જ્યાં જાય ત્યાં પહેલેથી જ કોઈને કોઈ છુપાઈને બેઠું છે માટે તેને જગ્યા જ મળતી નથી. ત્યાં સુધી કે કંટાળીને આખરે એ બાળક મળમૂત્ર ભરેલા ખાળમાં ખાબકે છે, ત્યારે ત્યાં પણ પહેલેથી અમુક બાળકો સંતાઈને બેઠા છે !
  • ફિલ્મની શરૂઆતમાં ભેટસોગાદો વડે નાઝી લશ્કરી અધિકારીઓ જોડે ઘરોબો કેળવતો ઓસ્કાર, માત્ર પૈસા કમાવામાં અને સુંવાળી સોબત માણવામાં જ મસ્ત એવો ઓસ્કાર, કીડી મંકોડા ની જેમ કમોતે મરતાં યહૂદીઓને જોઈને ધ્રુજી ઉઠતો ઓસ્કાર અને યુધ્ધની વિભિષિકામાંથી નફાખોરીની તક શોધતા વેપારીથી લઈને મસીહા બનવા તરફની ઓસ્કરની સફર ફિલ્મમાં યાદગાર રીતે ઝીલાઈ છે.
  • આ ફિલ્મનો આઇકોનિક સીન અને એકમાત્ર રંગીન સીન જ્યાં એક નાનકડી ક્યૂટ યહૂદી બાળકીને લાલ ઓવરકોટ પહેરીને જતી બતાવાઈ છે ( બાકીની આખી ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ છે ), તે યહૂદીઓની નિર્દોષતા અને આશાવાદનું પ્રતિક છે. સમગ્ર શહેરમાં ચાલતા હત્યાકાંડમાંથી આ બાળકી બચી જાય એવું દૂર એક ટેકરી પરથી આ દૃશ્ય નિહાળનારા ઓસ્કરની સાથે સાથે આપણે પણ ઈચ્છવા લાગીએ છીએ, જો કે અફસોસ, એવું બનતું નથી.
  • પોતાની ચતુરાઈ અને લુચ્ચાઈ પર મુસ્તાક ઓસ્કાર જ્યારે તેની ફેક્ટરીનો એક વૃદ્ધ યહૂદી મજૂર પોતાને ફેકટરીમાં જગ્યા આપીને જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કરવા આવે છે, તે દ્રશ્યમાં પોતાની અંદરથી ઉભરી રહેલી સારપને જોઈને ઓસ્કાર ધૂંધવાઈ ઊઠે છે.
  • મોટાભાગે સીધું જ કંઈ કેહવાને બદલે ચૂપચાપ ઓસ્કારને સાથ આપીને પોતાના દેશવાસીઓને બચાવતા ઈઝાક સ્ટર્નના દ્રશ્યો લાજવાબ છે.
  • કેમ્પમાં પોતાના વિલાની અટારીમાં જર્મન લશ્કરી ઓફિસર એમોન હાથમાં બંદૂક લઈને ઊભો છે. તે મેદાનમાં કામ કરતા યહૂદીઓને નિહાળે છે અને એકાદ ક્ષણ શ્વાસ લેવા કોઈ કેદી રોકાય તો બિન્દાસ જાણે કાર્ડબોર્ડ ટારગેટ પર શૂટિંગ પ્રેક્ટિસ કરતો હોય તેમ એમોન તેમને ગોળીથી વીંધી નાખે છે. આ દ્રશ્યો જોવા અસહ્ય છે.
  • મેડિકલ ચેકઅપકેમ્પનું એક દૃશ્ય છે, જ્યાં યહૂદી પુરુષો અને સ્ત્રીઓને શારીરિક રીતે સશક્ત અને કામ કરવા અસમર્થ એવા વૃધ્ધો એમ અલગ અલગ તારવવા માટે નગ્ન કરીને મેદાનમાં ગોળાકારે દોડવાય છે, એ જ વખતે સમાંતરે વાગતી એલ.પી. રેકર્ડ પણ ગોળ ગોળ ફરે છે. અહીં એક વિચિત્ર વિરોધાભાસ ઊભો થાય છે.
  • પછીના એક દ્રશ્યમાં નાઝી સૈનિકો યહૂદીઓની લાશોના ઢગલાને આગ ચાંપે છે અને એ સામૂહિક ચિતાઓની જ્વાળાઓથી આખું આકાશ ભરાઈ જાય છે. ત્યાં ઉભેલા ઓસ્કારને સંબોધીને એમોન કહે છે, ‘ આટલા કામ ઓછા હતા કે હવે કબરમાંથી શોધી શોધીને આ લાશોને બળવાનું કામ પણ આવ્યું. ‘ ( જાણે કોઈ ઓફિસનો ક્લાર્ક સહકર્મચારી આગળ બહુ વર્કલોડની ફરિયાદ કરતો હોય એવા અંદાજમાં બોલાયેલો સંવાદ આપણને હલાવી નાંખે છે. )
  • ટ્રેનમાં બીજા કેમ્પમાં ટ્રાન્સફર થઈ રહેલી કેદી યહૂદીઓ તરસના માર્યા ટળવળે છે. એ ના જીરવાતા ઓસ્કાર પાણીની પાઇપ વડે યહૂદીઓ પર છંટકાવ કરાવે છે, ત્યારે એમોન તેને ટોકતા કહે છે, ‘ આ ક્રૂરતા છે ઓસ્કાર, તું એમના મનમાં આશા જગાડી રહ્યો છે ( કે કદાચ તેઓ બચી જશે.)
  • ઓસ્કરની ફેકટરીમાં પહોંચાડવા માટે યહૂદી સ્ત્રીઓને લઇ જતી ટ્રેન શરતચૂકથી કોન્સટ્રેશન કેમ્પમાં પહોંચી જાય છે. મોતના મોંમાં પહોંચી ગયેલી એ સ્ત્રીઓને બચાવવા ઓસ્કાર નાઝી અધિકારીને જે માંગે તે રકમ આપવાનું કહી આ જ સ્ત્રીઓ જોઈએ તેમ આગ્રહ રાખે છે. અધિકારી ભારોભાર કંટાળા સાથે કહે છે, આમ આ રીતે આ જ નામોનો આગ્રહ ન રાખો યાર, અમારે પેપરવર્ક વધી જાય છે ( જાણે માણસની જિંદગીની તો કોઈ વિસાત જ નથી. )
  • ક્રેકોવ શહેરના યહૂદી કેમ્પનો ખપ પૂરો થઈ ચૂક્યો છે. આખા શહેરમાંથી જ્યાં મળે ત્યાંથી યહૂદીઓને રહેંસી નાખવાનો હુકમ આપતા એમોન તેના નીચલા અધિકારીઓને કહે છે, ‘ આજે ઐતિહાસિક દિવસ છે. 600 વર્ષથી આ શહેરમાં રહેનાર અને સમૃદ્ધ થનારા યહૂદીઓ આજ સાંજ સુધીમાં ઇતિહાસ બની જશે. આજે ખરેખર યાદગાર દિવસ છે. ( કેટલી બધી ધૃણા ! )
  • ફિલ્મના એક અત્યંત મહત્વપર્ણ દ્રશ્યમાં વ્યથિત થઈ ગયેલો ઓસ્કાર ઇઝાકને કહે છે, હું હજી પણ કેટલી બધી જિંદગીઓ બચાવી શક્યો હોત! આ પૈસા, આ ગાડી , આ સોનું… બદલામાં થોડીક વધુ જિંદગીઓ… એક જીવન પણ કેટલું બધું કિંમતી હોઇ શકે, એ આજે સમજાય છે. જવાબમાં ઇઝાક તેને સાંત્વના આપતા કહે છે, તે જે કર્યું છે તેના લીધે એક આખી પેઢી જીવી જશે.

યાદગાર ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદગાર બાબતો

આમ તો આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીય વિગતો હવે જગજાહેર છે, પણ તેમાંથી અમુક મમળાવીએ.

  1. ‘ શિંડલર્સ લિસ્ટ ‘ ના દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગના દાદા દાદી પોતે યહૂદી હોવાના લીધે આ અત્યાચારોના શિકાર થઈ ચૂક્યા હતા. આ અંગત પીડાને લીધે આ પ્રોજેક્ટ નું દિગ્દર્શન સ્ટીવન માટે અત્યંત દુષ્કર અનુભવ બની રહ્યો. શૂટિંગ વખતે એવા કેટલાંય દિવસો હતાં કે સાંજ સુધીમાં સ્પીલબર્ગ પોતે ભાંગી પડતા. તેમણે ખુદ નોંધ્યું છે કે જાણે હું કોઈ દિગ્દર્શક નહીં, પણ વોર જર્નલિસ્ટ હોઉં તેવું મને લાગવા લાગેલું.

  2. ઘણીવાર સેટ પર વાતાવરણ અત્યંત ગંભીર અને દુઃખદ થઈ જતું ત્યારે સ્પીલબર્ગે પોતાના મિત્ર રોબિન વિલિયમ્સને સેટ પર આમંત્રેલા કે જે પોતાના રમુજી અંદાજ વડે વાતાવરણને થોડું હળવું બનાવી આપે.

  3. ફિલ્મના પ્રોડ્યુસરને સ્પીલબર્ગનો પસંદ કરેલો વિષય અને ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં શૂટ કરવાનો નિર્ણય થોડા કઠયા હતા. ફિલ્મના આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને તેમણે સ્પીલબર્ગને કહ્યું કે આ ફિલ્મની સાથે તમે બીજી પણ એક ફિલ્મ અમને પહેલાં બનાવી આપો ( જે ધૂમ મચાવશે એ સૌને વિશ્વાસ હતો. ) સ્પીલબર્ગ એકબીજાથી સાવ જ અલગ વિષયો અને અંદાજવાળી બંને ફિલ્મો પર સમાંતરે કામ કરીને ઇતિહાસ રચ્યો. તે બીજી ફિલ્મ એટલે ‘ જ્યુરાસિક પાર્ક ‘.

  4. ‘ શિંડલર્સ લિસ્ટ ‘ બોક્સ ઓફિસ પર ટંકશાળ સાબિત થઈ. મોટાભાગના સમીક્ષકો અને યહૂદી કોમ દ્વારા પણ તેને હૂંફાળો આવકાર મળ્યો અને ફિલ્મ હોલીવુડની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં પણ સ્થાન પામી.

  5. યહૂદીઓના સામૂહિક નરસંહાર વિશે વાત કરતી આવી જ એક ડોક્યુમેન્ટ્રી ફ્રેન્ચ દિગ્દર્શક કલોડ લાંઝમેને 11 વર્ષની પ્રચંડ મહેનતથી બનાવી છે, જેનું નામ છે શોઆહ, જેની લંબાઈ છે 566 મિનિટ. ( જી હા, બરાબર જ લખ્યું છે. ફિલ્મ ત્રણેક ભાગમાં યુટ્યુબ પર અવેલેબલ પણ છે. ધીરજ, હિંમત અને જીજ્ઞાસા હોય તો જોજો. )

  6. શિંડલરને કંઈ પણ ઝાઝું કહ્યા વિના સાચા માર્ગ પર લઈ જનાર એકાઉન્ટન્ટ ઇઝાક સ્ટર્નના પાત્ર વિશે વાત કરતાં બેન કિંગસ્લેએ સ્પીલબર્ગને પૂછ્યું કે આ પાત્ર પ્રત્યે અભિનેતા તરીકે મારો કેવો અપ્રોચ હોવો જોઈએ. સ્પીલબર્ગે એક ચિઠ્ઠીમાં લખ્યું, તમે ઓસ્કારના અંતકરણનો અવાજ છો. કિંગ્સલે એ તે ચિઠ્ઠી સમગ્ર શૂટિંગમાં પોતાની સાથે રાખી.

  7. જેરુસલમમાં આવેલી ‘ યાડ વશેમ ‘ નામની હોલોકાસ્ટ સરવાઈવર્સ માટે કામ કરતી સંસ્થાએ ઓસ્કાર શિંડલરને તેમના માનવતાવાદી કાર્ય બદલ ‘ Righteous Amongst the Nations ‘ એવોર્ડથી સન્માનિત પણ કર્યા અને તેમની યાદમાં એ સંસ્થામાં રોપાયેલું વૃક્ષ આજે પણ એ ઘટનાની યાદગીરી રૂપે ઊભું છે.



  8. 1994ના એકેડમી એવોર્ડ્સમાં ‘ શિંડલર્સ લિસ્ટ ‘ એ ધૂમ મચાવતા બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ફિલ્મ સહિતના કુલ 6 ઓસ્કાર એવોર્ડ જીત્યા.

  9. આ ફિલ્મના દિગ્દર્શન બદલ મળેલ રકમ સ્પીલબર્ગે સ્વીકારવાનો સવિનય ઇનકાર કરીને તે રકમ યહૂદીઓ માટે કામ કરતી એક સંસ્થાને આપી દેવાનું ગોઠવ્યું. સ્પીલબર્ગ ક્યારેય આ ફિલ્મ સાથે જોડાયેલ એક પણ વસ્તુ પર ઓટોગ્રાફ નથી આપતા.

  10. એક રસપ્રદ વાત એ પણ નોંધવા જેવી છે કે જે જર્મન સેના અને તેના અત્યાચારો ફિલ્મના મુખ્ય વિષયવસ્તુ છે તેમનો સર્વોચ્ચ વડો એડોલ્ફ હિટલર, તેનો ઉલ્લેખ ફિલ્મમાં માત્ર બે જ જગ્યાએ છે અને તે પણ નામ સાવ સામાન્ય વાતચીતમાં જ બોલાય છે.

જતાં જતાં

‘ શિંડલર્સ લિસ્ટ ‘ની સિલ્વર જયુબિલી વખતે તેને ફરીથી રિલીઝ કરવામાં આવી. તેના ટ્રેલરમાં એક સરસ લાઈન મૂકવામાં આવી જે કદાચ કાયમ પ્રાસંગિક લાગે તેવી છે, ‘ એક ફિલ્મ જેની આજે કદાચ વિશ્વને સૌથી વધુ જરૂર છે. ‘ જાતપાત, ધર્મ, રાષ્ટ્રીયતા વગેરેનું ગૌરવ જ્યારે ઘમંડ અને ઉન્માદમાં ફેરવાઈ જાય ત્યારે સમાજ સૌથી હિચકારા હત્યાકાંડથી થોડાંક જ કદમ દૂર હોય છે, આ સત્ય જ્યારે જ્યારે આ ફિલ્મ જોઈએ ત્યારે ત્યારે તીવ્રતમ રૂપે બહાર આવે છે.



આ ફિલ્મ માટે બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર સ્વીકારતી વખતે સ્પીલબર્ગે એક સરસ વાત કીધી હતી કે, આજે વિશ્વમાં આશરે 3.5 લાખ જેટલા લોકો જીવિત છે જેઓ દ્વિતીય વિશ્વયુદ્ધની આ ઘટનાનો ભોગ બન્યા હોય. હું દેશ અને દુનિયાના તમામ શિક્ષકો અને શિક્ષણવિદોને આગ્રહ કરું છું કે આ ઘટનાઓ માત્ર પાઠ્યક્રમમાં ભાગ જ બનીને ન રહી જાય તે જોજો. ( આ ઘટનામાંથી મળતાં બોધપાઠ આવનારા ભવિષ્યના નાગરિકો એવા તમારા વિદ્યાર્થીઓમાં સીંચજો. ) યહુદીઓના ધર્મગ્રંથ ‘ તાલમુડ ‘ માંથી ફિલ્મમાં વપરાયેલી એક લાઈન કે જે ફિલ્મની ધ્રુવપંક્તિ છે, તેની સાથે મારી વાત પૂરી કરું.

‘ જે એક જીંદગી બચાવે છે, તે સમગ્ર માનવજાતને બચાવે છે. ‘

Trackback URL: http://www.flashbackstories.com/keyur_ontherocks9/trackback/

8 Comments:

  • Pooja Shrotriya
    January 03, 2021

    Super 👌

    Reply
    • Flashback Stories
      January 07, 2021

      Wait…let me read the name of person once again… 😀 😛
      Thank you 🙂

      Reply
  • Ravi Dattani
    January 03, 2021

    ક્યાં ખૂબ…👌આ મૂવીના સીન તો જાણે માનવજાત ને ચાબખા મારતા હોય એવું લાગે…પણ તમે લખેલી આ મૂવીની યાદગાર બાબતો ખૂબ જ યાદગાર બનશે ખરેખર..
    કિંગ્સલેની ચિઠ્ઠીની વાત કે પછી શિન્ડલરની યાદમાં સંસ્થામાં રોપાયેલું વૃક્ષ.આ બધી વાતો માટે તો તમારો બ્લોગ વાંચવો જ રહ્યો…

    Reply
    • Flashback Stories
      January 07, 2021

      બ્લોગ વાંચ્યો અને અભિરાય જણાવ્યો એનો આનંદ છે .
      ખૂબ ખૂબ આભાર 🙂

      Reply
  • Arpan
    January 04, 2021

    Khoob research purvak no lekh.
    Abhinandan.

    Reply
    • Flashback Stories
      January 07, 2021

      Tamara jeva sahitya na jaankar mitro na comment aave
      tyare sache dil thi khushi anubhavay
      thank you so much 🙂

      Reply
  • JAY
    January 07, 2021

    Superb
    Superb
    Superb…!!!👌👌👌👌👌
    Absolutely interesting and thought-provoking…
    Just keep writing dear Keyur!
    This article is a salute to humanity!😊👍

    Reply
    • Flashback Stories
      January 25, 2021

      बस सर इतना बोल दिए, छाती चौड़ा हो गया हमारा
      I am so glad you liked it.
      biju ghanu badhu kahish to formality lagshe…
      mdiye jaldi 🙂

      Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *