By: Flashback Stories On: November 22, 2020 In: Blog Comments: 5

ઈશ્વરે દુનિયા બનાવી. સમુદ્રો, પર્વતો, ઝરણાં, નદીઓ, જંગલો, પ્રાણીઓ, પંખીઓ, વૃક્ષો, ફૂલ ફળ વગેરેથી સજાવી. પછી ઈશ્વરે મનુષ્ય બનાવ્યો અને આ દુનિયા તેને હવાલે કરી. ઈશ્વર અને મનુષ્ય બંને અત્યંત ખુશ હતા. પછી એક દિવસ મનુષ્ય એ ધર્મ બનાવ્યો. બસ, એ દિવસથી ના મનુષ્ય ખુશ થઈ શક્યો છે, ના ઈશ્વર.

આ 4-5 વાક્યની માઇક્રો ફિક્શન આમ જુઓ તો હજારો વર્ષોની માનવ સભ્યતા પરની ચોટદાર કોમેન્ટ છે. સદીઓથી જગતના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાં ઈશ્વરની હયાતી એ શિર્ષસ્થ છે. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું એના વિશેની પોતપોતાની માન્યતાઓ, દાખલા દલીલો સાથે સૈા પોતાની લીટી લાંબી છે એમ સાબિત કરવામાં જ રચ્યાં પચ્યાં રહે છે. જ્યારે એમાં સફળતા ન મળે તો અન્યની લીટી ભૂંસી નાખવામાં તો જાણે પિશાચી આનંદ મળે છે. કોઈ વેદ પુરાણોને ટાંકતા ‘ અહમ્ બ્રહ્માસ્મિ ‘ કે ‘ તત્વમ અસિ ‘ કે ‘ નેતિ નેતિ ‘ ની વાત કરે છે, તો બીજા બાઈબલના ‘ let there be light ‘ નો દાખલો આપે છે. કોઈ વળી ‘ કુન ફાયા કુન ‘ ( ઈશ્વરે ઈચ્છ્યું, તેથી થયું ) ની વાત કરતા ‘ જબ કહીં પે કુછ નહીં ભી નહીં થા, વો હિ થા, વો હિ થા ‘ ને સમર્થન આપે છે. આ બધાં ધાર્મિક વાદવિવાદ, ઝગડા, લોહિયાળ અથડામણોથી ત્રાસેલા અમુક વળી આ આખી ( ઈશ્વરના હોવાની ) વાતને જ પાયાથી નકારે છે. નાસ્તિકો તરીકે ઓળખાતો આ વર્ગ સૃષ્ટિના સર્જનથી લઈને વિવિધ દુન્યવી બાબતોને સમજાવવા વિજ્ઞાન, ખગોળ, જૈવિક વિજ્ઞાનની વિવિધ થિયરીઝનો હવાલો આપે છે.

સર્વશક્તિમાન સર્જનહારના અસ્તિત્વની આ ચર્ચાથી જો લેખકોએ, કવિઓ અને અન્ય સર્જકોની કલમ અછૂતી રહે તો જ નવાઈ ! કબીર સાહેબથી શરૂ કરીએ. કબીર સાહેબે નમાઝીઓ અને સાધકો બેયને પ્રશ્નો કર્યા કે ,

कंकर-पत्थर जोरि के मस्जिद लई बनाय,
ता चढ़ि मुल्ला बांग दे का बहरा भया खुदाय|

पाथर पूजें हरि मिलें तो मैं पूजूं पहाड़,
घर की चाकी कोऊ ना पूजे जाका पीसा खाए|

કે પછી આ જુઓ,

‘ ना जाने तेरा साहेब कैसा है!
मस्जिद भीतर मुल्ला पुकारे, क्या साहेब तेरा बहरा है?
चींटी के पग नेवर बाजे, सो भी साहेब सुनता है।’

( नेवर – पायल)

—- संत कबीर


( જો કે આજના યુગમાં કબીર સાહેબ હોત અને આવી પંક્તિઓ લખત તો હિંદુત્વના ઝંડાધારી ગુંડાઓ અને માથાફરેલ મુલ્લાઓથી બચી શકત કે કેમ એ પણ એક સવાલ છે. )

તો આપણાં અખા ભગત એમના ચાબખા જેવા છપ્પામાં લખે છે કે,

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ;

વળી, આમ મૃદુભાષી અને સૌમ્ય કહી શકાય એવા આદ્યકવિ નરસિંહ મહેતા કહે છે કે,

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે…”

ગુજરાતી ગઝલના પરંપરાના દિગ્ગજ શાયર જલન માતરી સાહેબ માટે તો ખુદા જાણે કાયમ સોફ્ટ ટાર્ગેટ રહ્યાં છે. જલન સાહેબ તો પરમેશ્વરને લગભગ ધમકાવે જ છે,

પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને?
શું જોઈએ છે તારે હાજર થઈને કે’ને?

આટલું ઓછું હોય તેમ આગળ પ્રભુને કહે છે કે ભાઈ, તારી ભક્તિ કંઈ રમતવાત નથી,

તને પણ રહેતે કયામતની ભીતિ,
અને રાત-દિવસ ફિકર બંદગીની,
એ સારું જ છે કે ખુદા તારા માથે,
નથી મારા ઈશ્વર સમો કોઈ ઈશ્વર.

આપણા પ્રસિદ્ધ નાટ્યકાર અને બળકટ કવિ સૌમ્ય જોશી સાહેબ ગરીબોની અવદશા વિશે ઈશ્વરના દુર્લક્ષ પર કટાક્ષ કરે છે,

” જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માંય છે ઈશ્વર “

તો નાઝિર દેખૈયા સાહેબે તો ભગવાનને પડકાર જ ફેંક્યો છે,

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

આ બધી પરમપિતાને આડે હાથે લેતી રચનાઓમાં અત્યંત મનગમતી છે, નાઝ ખયાલવી રચિત અને નુસરત ફતેહ અલી ખાન સાહેબના કંઠે ગવાયેલી ટાઈમલેસ કવ્વાલી, તુમ એક ગોરખધંધા હો. નુસરત સાહેબ સાથે આપણો પરિચય આમ તો બોલીવુડના કોપિકેટ સંગીતકારોએ નુસરત સાહેબના સર્જનોની કરેલી ઉઠાંતરીઓના લીધે વધુ છે. જ્યારે એમની મૂળ રચનાઓ સુધી પહોંચીએ ત્યારે એ વિરાટ સંગીત પ્રતિભાનો આપણને ખરો પરિચય થાય.



આ કવ્વાલીની લિંક અહીંયા શેર કરી જ છે અને લિરિક્સ પણ મૂક્યા છે.
https://www.youtube.com/watch?v=6O19yfn6Y6Q&
અમુક અઘરા શબ્દો સરળતાથી ગૂગલ પર મળી જ જશે. જો કે એ શબ્દોના મને સમજયેલ અર્થ પણ મૂક્યા છે. છતાં પણ કોઈ શબ્દ ના સમજાય તો એકવાર ખાન સાહેબના અવાજમાં આ રચના સાંભળો. એનો મૂળ ભાવ તો તમારા સુધી પહોંચી જ જશે.

कभी यहाँ तुम्हें ढूँढा, कभी वहाँ पहुँचा,

तुम्हारी दीद की खातिर कहाँ कहाँ पहुँचा,

ग़रीब मिट गये, पा-माल हो गये लेकिन,

किसी तलक ना तेरा आज तक निशाँ पहुँचा

हो भी नही और हर जा हो,

तुम एक गोरखधंधा हो

[ दीद = દર્શન , पा-माल = બરબાદ, गोरखधंधा = કોયડો, રહસ્ય ]

આદિકાળથી જગતમાં મનુષ્યોએ વિવિધ રીતે તારી શોધખોળ, ભક્તિ, આરાધના કરી છે. પેઢીઓની પેઢીઓ તારી બંદગી કરી ચૂકી પણ તું કોઈને મળ્યો નહીં.

हर ज़र्रे में किस शान से तू जलवानुमा है,

हैरान है मगर अक़ल, के कैसा है तू क्या है?

तुम एक गोरखधंधा हो

[ज़र्रे = કણ , जलवानुमा = જાદુઈ રીતે દૃશ્યમાન ]

तुझे दैर-ओ-हरम मे मैने ढूँढा तू नही मिलता,

मगर तशरीफ़ फर्मा तुझको अपने दिल में देखा है

तुम एक गोरखधंधा हो

[दैर-ओ-हरम = મંદિર અને મસ્જિદ ; तशरीफ़ फर्मा = બિરાજમાન ]

ઈશ્વર તો સર્વત્ર અને સર્વવ્યાપી છે એમ બધાં જ ધર્મો ભારપૂર્વક કહે છે પણ તેની પ્રત્યક્ષ હયાતી વિશે પૂછતાં ગોળ ગોળ જવાબો જ મળે છે. હા, જે આખી દુનિયામાં ન મળે એ ઈશ્વર આપણા હૃદયમાં હોય એમ બને !

जब बजुज़ तेरे कोई दूसरा मौजूद नही,

फिर समझ में नही आता तेरा परदा करना

तुम एक गोरखधंधा हो

[बजुज़ = સિવાય]

जो उलफत में तुम्हारी खो गया है,
उसी खोए हुए को कुछ मिला है,

ना बुतखाने, ना काबे में मिला है,
मगर टूटे हुए दिल में मिला है,

अदम बन कर कहीं तू छुप गया है,
कहीं तू हस्त बुन कर आ गया है,

नही है तू तो फिर इनकार कैसा ?
नफी भी तेरे होने का पता है ,

मैं जिस को कह रहा हूँ अपनी हस्ती,
अगर वो तू नही तो और क्या है ?

नही आया ख़यालों में अगर तू,
तो फिर मैं कैसे समझा तू खुदा है ?

तुम एक गोरखधंधा हो

[उलफत = પ્રેમ; अदम = મૃત; નિર્જીવ हस्त = જીવન ; नफी = કિંમતી ; हस्ती = અસ્તિત્વ ]

જો તું જ બધું છે તો પછી આ માયાવી જગત અને એમાં મારા હોવાપણાની શી વિસાત ? સૌથી અગત્યનો પ્રશ્ન તો એ છે કે જો તું ( ઈશ્વર ) મારા વિચારોમાં આવ્યો જ ના હોત મને ક્યાંથી જાણ થઈ કે તું છે ! ( આ એક જ વાતને આસ્તિક અને નાસ્તિક બેય પોતાની રીતે કરતાં હોય છે. )

हैरान हूँ इस बात पे, तुम कौन हो , क्या हो?
हाथ आओ तो बुत, हाथ ना आओ तो खुदा हो

अक़्ल में जो घिर गया, ला-इंतिहा क्यूँ कर हुआ?
जो समझ में आ गया फिर वो खुदा क्यूँ कर हुआ?

फलसफ़ी को बहस क अंदर खुदा मिलता नही,
डोर को सुलझा रहा है और सिरा मिलता नही

तुम एक गोरखधंधा हो

[बुत = મૂર્તિ ; ला-इंतिहा = અસીમ ; फलसफ़ी = ફિલોસોફી, દર્શન ; बहस= ચર્ચા ]

ઈશ્વર જ પરમ તત્વ અને સર્વોપરિ છે. તો પછી નાશવંત એવા માનવીની મર્યાદિત બુધ્ધિક્ષમતામાં એ કેવી રીતે આવે, અને જો એમ થાય તો ઈશ્વર અનંત કેવી રીતે કેહવાય?

छुपते नही हो, सामने आते नही हो तुम,
जलवा दिखा के जलवा दिखाते नही हो तुम,

दैर-ओ-हरम के झगड़े मिटाते नही हो तुम,
जो असल बात है वो बताते नही तो तुम

हैरान हूँ मैरे दिल में समाये हो किस तरह,
हाँलाके दो जहाँ में समाते नही तो तुम,

ये माबद-ओ-हरम, ये कालीसा-ओ-दैर क्यूँ,
हरजाई हो जॅभी तो बताते नही तो तुम

तुम एक गोरखधंधा हो

[ माबद-ओ-हरम = મંદિર અને મસ્જિદ ; कालीसा-ओ-दैर = ચર્ચ અને મંદિર ]

આગળ વર્ણવેલા બધાં જ ગુણો જો ભગવાનમાં હોય તો પછી ધર્મની આડમાં માણસો દ્વારા થતા ખોટા કામો કેમ સાંખી લે છે? એ કયો ઈશ્વર છે જે અબોલ પ્રાણીઓની બલિ આપવાથી રાજી થાય? બહાર હજારો ગરીબો ભૂખથી ટળવળતા હોય અને એ મંદિરમાં બેઠો છપ્પનભોગ આરોગે? ધનિકને પહેલાં દર્શન દે અને દરિદ્રને લાઈનમાં ઉભા રાખે? જ્યારે કોઈ એનું નામ લઈને હજારો નિર્દોષોનું લોહી વહાવે તો પણ એ ચૂપ રહે? કેમ ઈશ્ર્વર સામે આવીને એના નામે ચાલતા પાખંડોને ઉઘાડાં નથી પાડતો?

( ક્રમશ: )


જે સર્જનહાર ની સ્તુતિમાં ભલભલાં મહાકવિ પાછા પડી જતાં હોય અને જેની હયાતી કે ગેરહાજરીનો વિવાદ યુગોથી ચાલતો હોય એવા વિરાટ રચયિતાની વાત એક ભાગમાં તો કેવી રીતે સમાય? આ આર્ટિકલનો બીજો અને અંતિમ ભાગ આવતા રવિવારે.

Trackback URL: http://www.flashbackstories.com/keyurtrivedi_ontherocks6/trackback/

5 Comments:

  • Shivani
    November 22, 2020

    આગળ જલ્દી વાંચવું છે હવે….

    Reply
    • Flashback Stories
      November 24, 2020

      તે વાંચ્યું એનો આનંદ છે
      બસ રવિવારે આવશે નવો અંક.
      વાંચતા રહો – શેયર કરતા રહો .
      – કેયુર

      Reply
  • Sanket Kanabar
    November 23, 2020

    Excellent article. One needs to have guts , patience & specific kind of thought process & have special observational skill to become Keyur Trivedi sir.
    Proud to be a fan of you.
    Regards

    Reply
    • Flashback Stories
      November 24, 2020

      Fan word is fascinating, but I believe
      I m yet in my learning phase. This is what I have learnt
      from my guru’s that it’s a daily learning process.

      Tho’ your or anyone’s comment on our attempt is
      motivating.

      Thank You So Much For All Your Kind Words.
      – Keyur Trivedi

      Reply
  • Rajeshkumar D. Bandhiya
    March 19, 2021

    ક્રમશઃ રવિવાર ની Link મળશે ?

    Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *