2014માં હૈદ્રાબાદ યુનિવર્સિટીમાં ગુલઝાર સાહેબને માનદ ડોકટરેટ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો. ત્યાં હાજર યુવાનો સાથે વાત કરવા આતુર સાહિત્યકાર ગુલઝારને જ્યારે સતત તેમની ફિલ્મો વિશે જ પ્રશ્નો પૂછાયા તો એ ઘણાં નિરાશ થયા. દેશમાં વધતા ભ્રષ્ટાચાર, બેકારી, યુવાનોનો આક્રોશ વગેરેના ફિલ્મોમાં ચિત્રણ વિશેના એક પ્રશ્નના જવાબમાં અકળાયેલા ગુલઝાર સાહેબે રોકડું પરખાવી દીધું, ‘ મેરી પહેલી ફિલ્મ મેં જો યુથ થા વો છૂરી, હોકી, સાઈકલ ચેઇન વગેરા સે લઢતે થે, મેરી ફિલ્મ માચિસ તક આતે આતે ઉન કિરદરો કે હાથોં મેં બંદૂકે આ ગઈ થી ‘
‘ મેરે અપને ‘ સંવેદનશીલ શાયર અને તેજાબી ફિલ્મ સર્જક ગુલઝાર સાહબની દિગ્દર્શક તરીકેની એ પહેલી ફિલ્મ. 70નો એ દશક, જ્યાં હિન્દી સિનેમામાં એક તરફ રાજેશ ખન્નાનું એકચક્રી શાસન હતું ( રાજેશ ખન્ના પંજાબી હોવાના લીધે તેમનું હુલામણું નામ હતું ‘ કાકા ‘. તેની પરથી ત્યારના નિર્માતાઓમાં ખૂબ જાણીતી પંક્તિ હતી કે ‘ ઉપર આકા, નીચે કાકા ) તો બીજી તરફ ધર્મેન્દ્ર, શશી કપૂર, મનોજકુમાર, ફિરોઝ ખાન વગેરે ધૂમ મચાવી રહ્યા હતાં. દેવ – રાજ – દિલીપની ત્રિપુટી હજી બોક્સ ઓફિસ પર ચાલતી તો ખરી, પણ મુખ્ય હીરો તરીકેની કારકિર્દીનો સૂર્ય હવે અસ્તાચળ તરફ છે એ અંદાજ એમને આવી ચુક્યો હતો. તો સદીના મહાનાયક અમિતાભ ત્યારે હજી સફળતાનો સ્વાદ ચાખવાથી થોડાં દૂર હતાં. એવા સમયગાળામાં ગીતકાર – સ્ક્રિપ્ટ રાઇટર ગુલઝાર સાહેબે બનાવી ‘ મેરે અપને ‘. પહેલી ફિલ્મથી જ ગુલઝાર સાહેબની ખાસિયત એ રહી કે એમની ફિલ્મો બોક્સ ઓફિસ પર હાઉસફૂલના પાટિયા ભલે ના છલકાવે, પણ એમની બધી જ ફિલ્મોને સીનેરસિકો અને સમીક્ષકોનો અપાર પ્રેમ મળ્યો છે.
1968માં બંગાળી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક તપન સિંહાએ અપનજન ( સ્વજન ) નામે એક સફળ ફિલ્મ બનાવી, જેની રીમેક 1971માં સિપ્પી ફિલ્મના બેનરમાં બની અને ગુલઝાર સાહેબને તેનું દિગ્દર્શન કરવાની તક મળી. ‘ મેરે અપને ‘ ફિલ્મની કથા કંઇક આ પ્રમાણે છે. એક ગામડામાં જીવનના અંતિમ વર્ષો પસાર કરતી વૃદ્ધ સ્ત્રી આનંદી દેવીને તેમના દૂરના કહેવાતા સગાં શહેરમાં પોતાના ઘરમાં આયા અને નોકરના કામ કરવા બુઆજી – બુઆજી કરીને લઈ આવે છે. થોડા સમયમાં આ સગા અસલી પોત પ્રકાશે છે અને શહેરની વિચિત્ર રીત-રસમો અને રહેણીકરણીથી વ્યથિત આનંદી દેવી એ ઘર છોડીને ચાલી નીકળે છે. મહોલ્લામાં રહેતા નાનકડાં અનાથ ભાઈ બહેનની એક જોડી અને અમુક શિક્ષિત પણ બેરોજગાર અને ગલીના ગુંડામાં ગણાતાં યુવાનો પ્રત્યે આનંદી દેવીને માયા બંધાઈ જાય છે અને તેમને નવું નામ મળે છે, નાની મા. પોતાના ઘર પરિવારથી તિરસ્કૃત, બેકારી, ગરીબી, ભ્રષ્ટાચારથી ત્રાસેલા યુવાનોને નાનીમામાં એક પ્રેમાળ વડીલની હૂંફ અને પોતાનાપણું મળે છે. આ યુવાનોના લીડર શ્યામને બાજુની ગલીની ગેંગના લીડર છેનુ સાથે જૂની દુશ્મની છે અને બંને ગેંગ લાગ આવે ત્યારે એકબીજા પર હાથ સાફ કરતી રહે છે. પાછળ જતાં આ બંને ગેંગના યુવાનો રાજકીય નેતાગીરીનો હાથો બને છે. આગળ શું થાય છે એ જોવા તમારે ફિલ્મ જોવી પડશે. જોઈ કાઢો, આ ફિલ્મ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર તો છે જ, યુટ્યુબમાં પણ ઉપલબ્ધ છે.
મેઘના ગુલઝાર પોતાના પુસ્તક ‘ બિકોઝ હિ ઇઝ ‘ માં તેમના પિતા ગુલઝાર સાહેબની આ પહેલી ફિલ્મની સર્જનયાત્રા વિશે લખતા જણાવે છે કે, આનંદી દેવીના પાત્રમાં મીનાકુમારીને સાઈન કરવામાં આવ્યાં. અમિતાભ અને રાજેશ ખન્ના આ ફિલ્મના નાયકની ભૂમિકા ઠુકરાવી ચુક્યા હતા. ગુલઝાર સાહેબે એમ માની મન મનાવ્યું કે કદાચ મારી પ્રથમ ફિલ્મ હોવાના લીધે મારી દિગ્દર્શક તરીકેની ક્ષમતમાં બધાંને વિશ્વાસ ના હોય એ સ્વાભાવિક છે. મિત્ર હરિભાઈ એટલે કે સંજીવકુમારે આ ઑફર નકારતાં ગુલઝાર સાહેબને કહ્યું કે યાર, આ ફિલ્મ તો પેલી વૃદ્ધ સ્ત્રીના કિરદારની ફિલ્મ છે. મારા માટે કોઈ મુખ્ય કિરદાર વાળી સ્ક્રીપ્ટ લાવજે, હું ચોક્કસ કામ કરીશ. આખરે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિનોદ ખન્નાના ફાળે આવી. વિનોદ ત્યારે આન મિલો સજના અને મેરા ગાંવ મેરા દેશમાં વિલન અને સચ્ચા જૂઠા માં સેકન્ડ લીડ જેવી ભૂમિકા ભજવી ચૂક્યાં હતાં. દુશ્મન ગેંગના સરદારના રોલમાં આવ્યા શત્રુઘ્નસિંહા. ( જો ભૂલ ન કરતો હોઉં, તો શત્રુઘ્ન એ પહેલાં વિલન હતા જેમની એન્ટ્રી પર દર્શકો તાળીઓનો ગડગડાટ કરતાં ). બંને ગેંગના સભ્યોના રોલમાં એફ.ટી.આઇ. આઇ. ના પ્રતિભાવાન યુવા પાસ આઉટ્ઝ એવા ડેની, અસરાની, પેન્ટલ, દિનેશ ઠાકુર વગેરેને ભૂમિકા આપવામાં આવી, જે બધાં એ સુપેરે ભજવી બતાવી . આસિત સેન અને મહેમૂદ બંને સ્વાર્થી, લુચ્ચા અને જનતાને મૂર્ખ બનાવવામાં પાવરધા એવા નેતાઓના રોલમાં ચમક્યા. જીવનના અંતિમ વર્ષમાં મીનાકુમારીએ આ ફિલ્મમાં અદભુત કામ કર્યું. મીનાજીની નાદુરસ્ત તબિયતના લીધે ફિલ્મના એક ગીત ‘ ભિખારન રાત ‘ નું ફિલ્માંકન માંડી વાળવું પડ્યું. ગુલઝાર સાહેબના શબ્દો અને લતાજીના અવિસ્મરણિય અવાજના ચાહકો આજે પણ એ ગીત પ્રેમપૂર્વક સંભારે છે. આ ગીતને માણવા માટે આ લિંક પર ક્લિક કરો https://www.youtube.com/watch?v=sDWjzF4qx8k&
આ સિવાય ફિલ્મમાં માત્ર બે જ ગીતો હતા પણ આજે પણ ચાહકો બંને ગીતોને ભૂલ્યા નથી. એક ગીત, જે બધાં ભગ્ન હૃદયના લોકોને પોતાની જ પીડાનો પડઘો લાગે, ‘ કોઈ હોતા જીસકો અપના, હમ અપના કહે લેતે યારો ‘. બીજું ગીત, તે સમયના રાજકીય સામાજિક પરિપ્રેક્ષ્ય પર કટાક્ષ કરતું ‘ હાલ ચાલ ઠીકઠાક હૈ ‘ તો આજે પણ એટલું જ પ્રસ્તુત છે ( કોઈ વાંકદેખા આને ‘ સબ ચંગા સી ‘ સાથે જોડીને ન જુએ. ભારતની કડવી વાસ્તવિકતા એ છે કે આઝાદીથી લઈને આજ સુધી સરકાર ભલેને ગમે તે પક્ષની હોય, બધાંએ જનકલ્યાણની વાતો કરતાં કરતાં સ્વ કલ્યાણને જ પ્રાધાન્ય આપ્યું છે )ગીતની લિંક અહીંયા મૂકી છે, તમે જાતે જ જોઈ લો. https://www.youtube.com/watch?v=uIg8xq5KAOE&
આઝાદીની સ્વર્ણિમ સવારે દેશની શીર્ષસ્થ નેતાગીરી દ્વારા આપવામાં આવેલા વચનો અને દેખડાયેલા સ્વપ્નો 70નો દશક આવતા સુધીમાં ઠગારા નીવડ્યા. દેશમાં બેકારી, ગરીબી, ભ્રષ્ટાચાર વગેરે ખૂબ વધ્યા. એ દૌર હતો શ્રીમતી ઇન્દિરા ગાંધી અને તેમની અમર્યાદ સત્તાનો ( એમના અમુક ચમચા ત્યારે ‘ ઇન્દિરા ઇઝ ઈંડિયા એન્ડ ઈંડિયા ઇઝ ઇન્દિરા ‘ એમ ગર્વથી કહેતાં. ) ઈન્દિરાજી ‘ ગરીબી હટાવો ‘ ના અમર નારા ( અમર એટલા માટે કે આ નારો ભારતીય રાજકારણમાં આજે ય આઉટ ઓફ ફેશન નથી થયો ) ના સહારે સત્તા પર આવ્યાં હતાં. રાજનીતિને અપરાધીકરણનું દૂષણ પણ આભડી ચૂક્યું હતું. આ બધી બાબતો ગુલઝાર સાહેબે ફિલ્મમાં આબદ ઝીલી છે. ફિલ્મમાં કોલેજના છાત્રો હડતાળ પાડી કોલેજના ફર્નિચરને તોડફોડ મચાવે છે ત્યારે એક હતાશ વિદ્યાર્થી માઉથ ઓર્ગન પર ‘ સારે જહાં સે અચ્છા ‘ ના સૂર રેલાવે છે. ‘ ભાષણ પે રાશન નહીં હૈ યહાં ‘ જેવા કટાક્ષ અને રેશનીંગની દુકાનદારના સંવાદો ” ગેંહુ કે સાથ ઘુન ભી પીસતા હૈ યે પુરાની કહાવત, નયી કહાવત હૈ , ગેંહું કે સાથ કંકર ભી પિસતા હૈ ” કે પછી ” ભૈયા, જો રાશન મિલ રહા હૈ, લે લો, અગર સરકાર સુન લેગી તો યે ભી છીન લેગી ” એ વખતની દારુણ પરિસ્થિતિ પર સર્જકનો કટાક્ષ દર્શાવે છે. ચુંટણી પ્રચારસભામાં ભાષણ કરતાં નેતા બિલાખીપ્રસાદની ( આસિત સેન) વાતોથી શ્રોતાગણ કંટાળે ત્યારે રાષ્ટ્રવાદ અને ‘ સરહદ પે હમારે જવાન લડ રહે હૈ ‘ નો રાગ આલાપવામાં આવે અને સભાસ્થળ તાળીઓના ગડગડાટ થી ગાજી ઊઠે. બીજી પાર્ટીના નેતા અનોખેલાલ તો આજના નેતાઓની જેમ નફ્ફટ થઈને ફરમાવે, જ્યાં સુધી મારું ભલું નહીં થાય, હું ખુરશી પરથી નહીં ઉતરું. બંને પક્ષના આ નેતાઓ અહિંસા અને શાંતિની મોટી મોટી વાતો કરે પણ પોતાના વોટ સલામત રાખવા હિંસાનો છુટથી ઉપયોગ કરવા સલાહ આપતાં ફરમાવે, અહિંસા બહિંસા બાદ મેં દેખ લેંગે. સામાન્ય જનતાની ચિતા પર પણ પોતાના રાજકીય રોટલા શેકવામાં નેતાઓ કાચા પડે તેમ નથી એ વાત અત્યંત સચોટ રીતે ઉપસે છે.
મેરે અપને ફિલ્મની લેગસીની વાત કરીએ તો આ ફિલ્મ પછી હિન્દી સિનેમાને વિનોદ અને શત્રુઘ્ન જેવા મોટા સ્ટાર મળ્યાં. પેલા એપિક સંવાદ ” શ્યામ કહાં હૈ? આયે તો ઉસે કેહ દેના છેનુ આયા થા ” વખતે ખુદ મીનાકુમારી શત્રુઘ્ન સિંહાની સંવાદ બોલવાની છટા પર આફ્રિન પોકારી ઊઠયા હતા. વિનોદ ખન્નાની સુપરસ્ટાર બનવાની સફરમાં આ ફિલ્મનો અગત્યનો ફાળો છે. ( અમિતાભના ઇન્દ્રાસનની સૌથી નજીક પહોંચી શકનાર અભિનેતા એટલે વિનોદ ખન્ના. જો કરિયરની ટોચ પર સર્વસ્વ ત્યાગીને વિનોદ ઓશો રજનીશ ના અનુયાયી ન બન્યા હોત તો આજે બોલીવુડનો ઇતિહાસ અલગ હોત. પાછળથી જો કે એમણે ફિલ્મોમાં સફળ કમબેક પણ કર્યું પણ ત્યાં સુધીમાં અમિતાભ બિગ બી બની ચૂક્યા હતાં ). ગુલઝાર સાહેબના આસિસ્ટન્ટ રહી ચૂકેલા એન. ચંદ્રાએ નાના પાટેકરને લઈને પોતાની પહેલી ફિલ્મ ‘ અંકુશ ‘ પણ લગભગ ‘ મેરે અપને’ની તર્જ પર જ બનાવી. રાહુલ રવૈલની સન્ની દેઓલ અભિનીત ‘ અર્જુન ‘ અને મંસૂર ખાનની શાહરૂખ અભિનીત ‘ જોશ ‘ આ બંને ફિલ્મો પણ મેરે અપનેની ગેંગવોર વાળી થીમ આવતી લાગે. ગુલઝાર સાહેબ પોતે ‘ મેરે અપને ‘ પછી દિગ્દર્શક તરીકે મજબૂત રીતે પ્રસ્થાપિત થયા અને એક એકથી ચઢિયાતી ફિલ્મો આપી.
વૈચારિક સહમતિ, નાણાંકીય પ્રલોભનો કે અન્ય બાબતોથી દોરવાઈને નેતાઓના પ્યાદા બનવા કરતા જીઓ ઔર જીને દો ની નીતિથી જીવવું એ જ સાચી દેશભક્તિ અને દેશસેવા છે. આજના સમયમાં રાજકીય બાબતોમાં વૈચારિક મતભેદો ઉદ્દભવે ત્યારે વર્ષો જૂના સંબંધો પણ તોડી નાંખતા ન ખચકાતાં સૈા કોઈએ આ વાત વિચારવા જેવી છે. ગુલઝાર સાહેબની જ એક કટાક્ષમય નઝ્મ સાથે વાત પુરી કરીયે.
Blog & In Picture Caption By:-
Keyur Trivedi
( Team Flashback Stories )
Trackback URL: http://www.flashbackstories.com/mere_apne/trackback/
Sanket Kanabar
Great Sir.
Flashback Stories
Thank you 🙂