By: Flashback Stories On: March 24, 2021 In: Blog Comments: 1



ઓળખાણ પડી???, અરે હું આ ફલાણા કાકા નો છોકરો!!!!!! આ વાક્ય ક્યાંક તો તમે સાંભળ્યું હોય ક્યાં તો તમે બોલ્યા હોવ અને ખાસ તો જો તમે અમદાવાદી હોવાનો ગર્વ કરતાં હોય તો તમે કોઈને કોઈ કામ કરાવા  માટે ઓળખાણ કઢાઈ જ હોય.અરે 10-12 વર્ષના છોકરાઓને એમના ડૅડીની ઓળખાણ પર જેટલો ભરોસો હોય છે એટલો તો ભરોસો મોદી સાહેબને અમિત શાહ પર નહિ હોય…..

ગઈકાલની જ વાત લઇ લો. એક દાદા એમના પૌત્રને લઇને અહીં ચબુતરાની આસપાસ તેમની વીતેલી બાળપણની યાદો તાજી કરવા લેતા આવ્યા.તે સમજાવતા હતા કે તરત જ એમની બાજુમાં  ઉભેલા એક કાકાએ તેમને જોતાં જ કહ્યું..

 “અરે!!! નટુકાકા તમે!!!! ઓળખાણ પડી???? હું ગબાલાલનો ભાણિયો!!!

દાદાએ તરત જ પોતાની ચશ્માની ફ્રેમ થોડી સરખી કરી અને એ કાકાના મોઢાનું બરાબર સ્કેનિંગ કર્યું. કપાળમાં પડેલી કરચલીઓ છૂટી કરી બોલ્યા

“અરે  હા… બાઠીયા તું તો ઓળખાતો જ નથી.. ભઈલા!!”

 “ક્યાંથી ઓળખાવું?… નટુ કાકા..પુરા 56 વર્ષ પછી મળ્યા છો.. અને એ પણ આ રીતે જોગાનુજોગ.”

“હા હા.. વાત તો સાચી છે. તારા બાપાના ગયા પછી તો આ બાજુ જાણે ભુલાઈ જ ગઈ છે.”

તરત જ નટુકાકાએ તેમના પૌત્રને ઓળખાણ કરાવતા બોલ્યા..

” બેટા આ છે રવિકાકા, મારાં લંગોટિયા યારના ભાણીયા થાય. એમ સમજી લે 56 વર્ષ પેહલા તારા જેટલાં હતા ત્યારે અમે લોકો મળ્યા હતા. તારી જગ્યાએ એ હતા ને એમની જગ્યા એ હું.”

દાદાએ રવિને બાજુમાં બેસવાનું કહ્યું અને પોતાના પૌત્રને ખોળામાં લઇને જાણે એમની દુનિયામાં લઇ જવાના હોય એમ બંને જણાને કેહવા લાગ્યા

 ” દિલ થામ કે બૈઠ જાઈએ જનાબ, અભી આગે કી યાત્રા રોમાંચક હોને વાલી હૈ.”

તરત જ હસીને બોલ્યા કે

“આ ગબાની tagline હતી.”

” અમે બંને શાળાએથી વેહલા 3 વાગતા છૂટી જઈએ ને અહીં આ ચબુતરા આગળ આવીને બેસીએ.જો કે આ ચબુતરો હતો ઘણા વર્ષો જૂનો કોઈ રાજા મહારાજા એ જ બનાવ્યો હતો. ત્યારે અમારા ગામમાં આ ચબુતરાની એક વાત ઊડતી હતી કે આ ચબુતરો રાજા એહમદ શાહએ પોતાના હાથે બનાવ્યો હતો. આ વાત એટલી ઉડી હતી કે આજુ બાજુના ગામમાંથી કોઈ પણ અમારા ગામની મુલાકાત લે તો આ ચબુતરાને જોયા વગર તો જાય જ નહિ. આ વાત અમારાં કાને પડી. ગબો આમેય પેહલેથી વધારે મસ્તીખોર. આવી અફવાઓની તો જાણે રાહ જોતો હોય. આ વાતની જાણ થતા એના ખુરાફાતી મગજમાં એક આઈડિયા સુજયો. એમ માનો કે વાંદરાને નીસરણી મળી. મને કેહવા લાગ્યો કે હવે ગમે તે થાય આપણે રોજ આ ચબુતરા આગળ 3 વાગે આવી જાશું. અહીં અમે 3 વાગે આવતા ને ગબા ભાઈ તો થોડો makeup કરી, ચબુતરાની નીચે જ બેસે અને લોકો આવતા જણાય ત્યારે તરત જ એક અદાથી શરૂઆત કરે” દિલ થામ કે બૈઠ જાઈએ જનાબ, અભી આગે કી યાત્રા રોમાંચક હોને વાલી હૈ”

બસ આ વાક્ય બોલે ને ભીડ જમા થઇ જાય.

ગબા ભાઈ શરુ કરે પછી એમની ભવાઈ” વર્ષો પેહલા રાજા દર બુધવારે નગર યાત્રાએ નીકળતાં. હંમેશા આ ગામથી જ રાજા શરૂઆત કરતાં.  પણ દરવખતે યાત્રા પેહલા તેમની સવારી આ લીમડાના  ઝાડ આગળ ઉભી રહેતી. રાજાને હંમેશા અહીં કેમ ઉભા રહીએ છીએ? એ સવાલ  સારથિને પૂછવાનું વિચારતા પણ કામના લીધે રહી જતું પણ આ વખતે એમને બરાબર મનમાં ધારી લીધું કે આ વખતે તો ત્યાં ઉભા રહીએ કે તરત જ હું પૂછી લઈશ. આ વખતે તો રથ ઉભો રહ્યો કે તરત જ રાજા  એમના રથમાંથી નીચે ઉતર્યા અને એમના સારથિને બોલાવા જતા જ  હતા  કે તેમને જોયું કે એમનો સારથિ ત્યાં લીમડાના ઝાડ આગળ ઉભો રહી ત્યાં ઝાડની ડાળ પર રહેલા પોપટને મરચું અને બીજા પક્ષીઓને બાજરીના દાણા ખવડાવતો હતો. આ જોઈ રાજાને શાંતિ પણ થઇ અને આ નિત્યક્રમ શેના લીધે કરે છે એ પૂછવાની જિજ્ઞાસા પણ જાગી. સારથિ પાછો આવ્યો કે તરત જ એમને પૂછીજ લીધું. કે “હે, સારથિ  આ નિત્યક્રમ શાના કારણે?”

સારથિ હસતાં બોલ્યો કે આ નિત્યક્રમ તો માતાશ્રી એ તમારા જન્મ સમયથી મને પાળવાનું કીધું છે. રાજા એકદમ વિચારમાં પડી ગયા અને એ પૂછવા જાય એ પેહલા જ સારથિ કેહવા લાગ્યો કે તમે 2 – 2.50 વર્ષના થયાં અને બોલવાનું શરુ કર્યું ત્યારે તમે “ક” ને બદલે “ત” બોલતા હતા એટલે કે કાંકરિયા તળાવ બોલવાના બદલે તાંતરિયા તલાવ બોલતા હતા. તમારા માટે ઘણી માનતા પણ માની, ઘણા ઋષિઓની પાસે પણ ગયા ક્યાય ઉપાય જડતો ન હતો. આખરે એકવાર અમે કોઈ વૈદ્યને મળવા માટે જતાં હતાને આ લીમડા નીચે વિરામ લીધો કે એવામાં જ કૈલાસ પર્વત પર જવા માટે સાધુઓ અમારા સામેથી પસાર થયાં. એક સાધુ અમારી તરફ વળ્યાં અને પાણી માંગ્યું પીવા માટે. તમારા માતાશ્રી અને પિતાશ્રી બંને તરત જ એમને પાણી આપવા માટે ઉભા થયાં. સાધુએ પાણી પી લીધું અને આશીર્વાદ આપતાં કહ્યું કે થોડું પાણી મને જરાં એક પાત્રમાં ભરીને આપો. પિતાશ્રી એ પાત્રમાં  ભરીને આપ્યું. સાધુએ ત્યાં લીમડાના ઝાડ પર બેઠેલા પોપટને પાણી પીવડાવ્યું અને એ જ એનું પીધેલું પાણી તમને પીવડાવાનું કીધું. અમે ઘરે જઈને તમને પીવડાવ્યું ને તમે ચોખ્ખું બોલતા થઇ ગયા. બસ એ દિવસ છે ને આજનો દિવસ હું રોજ અહીં પક્ષીઓને ખાવા અને પાણી પીવડાવા આવું છું. આ સાંભળી રાજા ખુશ થઇ ગયા અને એમને પોતાના હાથે અહીં ચબુતરો બનાવ્યો.”

લોકો આ વાત સાંભળતા ખુશ થતાં અને ગબા આગળ એક – બે આના મૂકી જતાં. આ રીતે જે પૈસા ભેગા થતાં એના અમે ચબુતરાની બાજુમાં મોટું માટલું મુકાયું અને એમાં આવતા જતાં લોકો માટે પાણી મળી રહે એવી સગવડ કરાવી. બીજા જે બચી જતાં એ અમે એકાદ વાર બાયોસ્કોપ અમારા ગામમાં આવતો ત્યારે બધા અમારા મિત્રોને બતાવતાં.

નટુકાકાનો પૌત્ર વિચારમાં પડી ગયો અને એકદમ પૂછ્યું દાદાને

“મતલબ, એહમદશાહ બાદશાહ તોતડો હતો?”

નટુકાકા અને રવિ હસી પડ્યા અને દાદાએ કીધું

” ના ગબો  તોતડો હતો!”

અને હસતાં હસતાં ત્રણેય જણા ઉભા થઇને આગળ નીકળી ગયા……

દાદા ને ક્યાં ખબર છે કે આવતીકાલે તો આ એમની યાદગીરીઓ ભૂંસાઈ જવાની છે. ચબુતરાની બાજુમાં MLAનું ઘર છે જેની કારપાર્કિગ માટેની જગ્યા ઉભી કરવામાં આ ચબુતરો વચ્ચે નડે છે. જે ખોટી ઓળખાણ ચલાવીને MLAએ ચબુતરાને હટાવાની પરવાનગી મેળવી લીધી છે.

મને તો કાલથી અહીંથી નીકાળીને કોઈક બીજી જગ્યાએ લગાડી દેવામાં આવશે.આ પેહલી વાર હું ખોટી ઓળખાણના લીધે અમદાવાદની સાચી ઓળખાણ ભૂંસાતા જોઈશ.

કાલ પડતા પેહલા મારામાં કોઈ ખામી આવી જાય જેથી એ દ્રશ્ય ના જોઈ શકું એ માટે સતત ભગવાન સાથે ઓળખાણ કઢાવવા મથતો…. હું

લિ.

Sony Megapixel Outdoor CCTV Camera

2 MP, 1920 x 1080

સમજાય એને જય માતાજી!!

Blog By :- Kuldeep Brahmbhatt
( Team Flashback Stories )

Trackback URL: http://www.flashbackstories.com/olkhaan/trackback/

1 Comments:

  • Sangita
    March 25, 2021

    Avismariy vaato. Bahuj khub rajuvaat. Waah sambhali ne maja aavu gai ..

    Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *